Skip to main content

Geo Gujarat News

આમોદમાં ગણેશ વિસર્જન શોભાયાત્રા પર પોલીસની બાજ નજર, ૩૨૧ જવાનો અને ટેકનોલોજીના પહાડ જેવા બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા

ગણેશ વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત કે કાયદાનો અનાદર સાંખી લેવામાં આવશે નહીં તેવી કડક ચેતવણી સાથે આમોદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ભાદરવા સુદ દશમના પવિત્ર દિવસે નગરમાં નીકળનારી ગણેશ વિસર્જન શોભાયાત્રામાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા કે અનિચ્છનીય પ્રવૃત્તિમાં લિપ્ત જણાતા તત્વો સામે અત્યંત કડક કાર્યવાહી કરવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સમગ્ર આમોદ નગરને છાવણીમાં ફેરવી દઈ લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આમોદ પોલીસે સુરક્ષામાં કોઈ જ ખામી ન રહે તે માટે કડક વ્યૂહરચના ઘડી કાઢી છે. બંદોબસ્તની કમાન ૧ ડી.વાય.એસ.પી., ૨ પોલીસ ઈન્સ્પેક્ટર અને ૬ પી.એસ.આઈ. કક્ષાના ઉચ્ચ અધિકારીઓના હાથમાં સોંપવામાં આવી છે, જેમની સાથે ૩૨૧ તાલીમબદ્ધ પોલીસ જવાનોની ફોજ મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. સમગ્ર શોભાયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા રતૌંધા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.આમોદ પોલીસ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટીયાએ બંદોબસ્તમાં તૈનાત દરેક જવાનને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, સંવેદનશીલ વિસ્તારોમાં ભીડ કે વાહન વ્યવહાર પર આકરી નજર રાખવી અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ સામે તુરંત જ સખત આકરાં પગલાં ભરવા આદેશ કરાયા છે. માત્ર માનવબળ જ નહીં, પરંતુ ટેકનોલોજીના ઉપયોગથી પણ અસામાજિક તત્વો પર કડક ગાળિયો કસવામાં આવ્યો છે. શોભાયાત્રાના સમગ્ર માર્ગને CCTV કેમેરાના નેટવર્કથી આવરી લઈ પોલીસ કંટ્રોલ રૂમમાંથી દરેક મુવમેન્ટ પર ચોવીસે કલાક બાજ નજર રાખવામાં આવી રહી છે. વધારામાં, શંકાસ્પદ પ્રવૃત્તિ કરનારાઓને જડબાતોડ જવાબ આપવા અને દરેક ઘટનાનું પુરાવા સાથે રેકોર્ડિંગ કરવા માટે ૫ બોડીવોર્ન કેમેરા અને ૧૮ વ્યૂહાત્મક ધાબા પોઈન્ટ સક્રિય કરી દેવાયા છે. આ પોઈન્ટ્સ પરથી તૈનાત જવાનો આખા વિસ્તાર પર આકરી દેખરેખ રાખી રહ્યા છે. આમોદ પોલીસની આ કડક તૈયારીઓએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈ પણ ઉપદ્રવીને ઉગારી લેવામાં આવશે નહીં અને વિસર્જન યાત્રાને પૂર્ણ સુરક્ષા વચ્ચે જ સંપન્ન કરાવવામાં આવશે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!