Skip to main content

Geo Gujarat News

ભરૂચના નિકોરામાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી, કાટમાળ નીચે દબાતાં ૯ વર્ષના માસૂમ બાળકનું કરૂણ મોત, તંત્રની બેદરકારી સામે ભારે આક્રોશ

ભરૂચ તાલુકાના નિકોરા ગામમાં વહીવટી તંત્ર અને મકાન માલિકોની ઘોર બેદરકારીના કારણે એક 9 વર્ષના નિર્દોષ માસૂમ દીપ પટેલનો અકાળે જીવ હોમાઈ ગયો છે. અતિ જર્જરિત અને ભયજનક હાલતમાં ઊભેલી મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં, રમતા રમતા કાટમાળ નીચે દબાઈ જવાથી આ બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જર્જરિત મિલકતો અંગે સમયસર પગલાં ન ભરવાની આ ગુનાહિત આળસ અને બેદરકારીના કારણે આજે એક બાળકે પોતાનો અમૂલ્ય જીવ ગુમાવવો પડ્યો છે, જેને પગલે સમગ્ર નિકોરા ગામમાં આક્રોશ સાથે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.સ્થાનિક રહીશોએ તાત્કાલિક દોડી આવીને પોતાની રીતે કાટમાળ હટાવી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને અસાવચેતીના કારણે મોડું થઈ ચૂક્યું હતું. હાલ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે કાગળ પર તપાસનો દોર શરૂ કર્યો છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું આવી જર્જરિત અને કાળમુખી મિલકતો સામે અગાઉથી કોઈ કડક કાર્યવાહી કેમ કરવામાં ન આવી? વહીવટી તંત્ર હવે માત્ર તપાસના નામે કાગળો રંગવાને બદલે આવી ભયજનક મિલકતોના જવાબદારો સામે ગુનો નોંધીને દાખલારૂપ અને સખત પગલાં ભરે તે અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારનો માસૂમ ચિરાગ આ રીતે બુઝાઈ ન જાય.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!