ભરૂચ જિલ્લા કોંગ્રેસનું વહાણ આંતરિક અસંતોષ અને જૂથબંધીના વાવાઝોડામાં ઘેરાયું છે. જિલ્લા યુવા કોંગ્રેસના સક્રિય અને લડાયક ઉપપ્રમુખ ઈમ્તિયાજ ઈકબાલ પટેલે પક્ષના તમામ હોદ્દાઓ સહિત પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દઈને સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. પક્ષના ટોચના નેતૃત્વ સામે સીધું યુદ્ધ છેડતાં તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે કે, ભરૂચ કોંગ્રેસમાં માત્ર એક જ ચોક્કસ જૂથનું વર્ચસ્વ ચાલી રહ્યું છે, જ્યાં રાત-દિવસ જમીન પર પરસેવો પાડતા નિષ્ઠાવાન કાર્યકરોની સતત નિર્દયી અવગણના કરવામાં આવી રહી છે. સંગઠનમાં એક વ્યક્તિ, બહુવિધ પદની નીતિ થકી અમુક જ મળતિયાઓને વારંવાર હોદ્દાઓ સોંપીને પાયાના કાર્યકરોનું મનોબળ તોડી પાડવામાં આવી રહ્યું હોવાનો સણસણતો પ્રહાર તેમણે કર્યો છે.
ઈમ્તિયાજ પટેલે અત્યંત આકરા શબ્દોમાં વિરોધ નોંધાવતા જણાવ્યું કે, જે પક્ષ યુવાનોના રોજગાર, અધિકાર અને ભવિષ્યના પ્રશ્નો ઉઠાવવામાં પોતે જ દિશાહીન અને લાચાર બની ચૂક્યો હોય, તેના નેતૃત્વ હેઠળ કામ કરવું એ પોતાના અંતરાત્મા સાથે દગો કરવા સમાન છે. પક્ષમાં વ્યાપેલી ચમચાગીરી અને જૂથવાદ સામે મૂકપ્રેક્ષક બનીને લાચારી સ્વીકારવાને બદલે તેમણે પક્ષમાંથી કાયમી વિદાય લેવાનો અંતિમ અને અફર નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ ચિમકી આપી છે કે, ભલે કોંગ્રેસનો સાથ છૂટ્યો હોય, પરંતુ ભરૂચની જનતા અને યુવાનોના હિત માટેની તેમની લડાઈ આગામી દિવસોમાં વધુ આક્રમક બનશે. ઈમ્તિયાજ પટેલના આ અચાનક અને આકરા રાજીનામાએ જિલ્લા કોંગ્રેસના નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. અને સંગઠન અંદરથી કેટલું વિખરાયેલું છે તેનો પર્દાફાશ કરી દીધો છે.
પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ઈમ્તિયાજ પટેલે પોતાના આગળના રાજકીય અને સામાજિક વલણને લઈને અત્યંત સ્પષ્ટ અને ધારદાર શબ્દોમાં સ્થિતિ છતી કરી છે. તેમણે સાફ શબ્દોમાં સંકેત આપી દીધો છે કે, હાલ તુરંત કોઈ પણ અન્ય રાજકીય પક્ષનો ખેસ ધારણ કરવાની તેમની કોઈ જ ઈચ્છા નથી. રાજકીય સ્વાર્થ અને પક્ષીય બંધનોથી મુક્ત થઈને તેઓ હવે એક નિવડ સામાજિક કાર્યકર તરીકે સીધા જનતાના દરબારમાં જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પદ અને હોદ્દાઓ માત્ર કાગળ પરના રાજકારણ માટે હોય છે, પરંતુ પ્રજાના સાચા પ્રશ્નો વાચા આપવા માટે કોઈ પક્ષીય છત્રછાયાની જરૂર નથી હોતી. કોઈપણ પક્ષની આંતરિક ખેંચતાણ કે બંધનોમાં બાંધાયા વિના, તેઓ ભરૂચની જનતા અને યુવાનોના હિત માટે ઢાલ બનીને સદૈવ મેદાનમાં ખડેપગે રહેશે. ઈમ્તિયાજ પટેલના આ વલણે એ પણ સાબિત કરી દીધું છે કે તેમનો વિરોધ માત્ર સત્તા કે હોદ્દા માટે નહીં, પરંતુ અન્યાય અને ઉપેક્ષા સામેનો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com