Skip to main content

Geo Gujarat News

આમોદમાં ‘બચ્ચો કા ઘર’ શાળાની દીકરીઓનો શાનદાર ડંકો: તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાના તમામ વિભાગોમાં પ્રથમ ક્રમાંક મેળવી સર કર્યું ગૌરવવંતુ શિખર

આમોદ: આમોદ મિશ્રશાળા-1 સ્કૂલ ખાતે “વિકસિત ભારત અંતર્ગત-૨૦૨૬” વિષય પર યોજાયેલી સી.આર.સી. તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં ‘બચ્ચો કા ઘર’ શાળાની તેજસ્વી દીકરીઓએ પોતાની અદભુત વાણીશક્તિ અને આત્મવિશ્વાસના બળે તમામ વિભાગોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ મુકાબલામાં પ્રાથમિક વિભાગમાંથી બાગવાલા રીનાજ આઈ., માધ્યમિક વિભાગમાંથી મુરસદ શના એ. અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી મુંબઈગરા અકસા એમ.એ પોતાના ઓજસ્વી અને તાર્કિક શબ્દપ્રવાહથી વિજેતા બન્યા હતા.આ પ્રભાવશાળી દીકરીઓએ મંચ પરથી ભારતને સમૃદ્ધ, આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાશક્તિની ભૂમિકા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક વિજ્ઞાન-ટેકનોલોજીનો ઉપયોગ તથા સમાજના છેવાડાના માનવી સુધી સુશાસન પહોંચાડવા જેવા ગંભીર વિષયો પર સચોટ ચિંતન રજૂ કરી સમગ્ર સભાખંડને મંત્રમુગ્ધ કરી દીધો હતો.સ્પર્ધાના અંતિમ ચરણમાં સ્પર્ધકો દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રેરણાદાયી કાવ્યાત્મક પંક્તિઓ અને રાષ્ટ્રનિર્માણના દ્રઢ સંકલ્પે નિર્ણાયકો અને ઉપસ્થિત મહાનુભાવો અને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. આ ભવ્ય સફળતા બદલ તમામ વિજેતા વિદ્યાર્થીનીઓને આકર્ષક ટ્રોફી અને માનવંતા પ્રમાણપત્રો એનાયત કરી ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.નાની વયે દીકરીઓ દ્વારા મેળવેલી આ ગૌરવવંતી સિદ્ધિના સમાચાર વાયુવેગે પ્રસરતાની સાથે જ શાળા પરિવાર, વાલીવર્ગ અને સમગ્ર આમોદ પંથકમાં આનંદ અને ઉત્સાહની અભૂતપૂર્વ લહેર છવાઈ ગઈ છે, જે ભવિષ્યના ઉજ્જવળ ભારત માટે એક નવો રાહ ચીંધનારું બની રહેશે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!