Skip to main content

Geo Gujarat News

વાગરા: અલાદર ખાતે મહાવીર મિનરલ્સની લેબર કોલોનીમાં ઈલેક્ટ્રિક શોકથી બિહારના 29 વર્ષીય યુવાનનું કરુણ મોત નિપજ્યું..

વાગરા તાલુકાના અલાદાર ગામ સ્થિત મહાવીર મિનરલ્સ કંપનીની લેબર કોલોનીમાં એક ગંભીર દુર્ઘટના સામે આવતા મજૂરોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. કંપનીની લેબર કોલોનીમાં રહેતા મૂળ બિહારના 29 વર્ષીય મુલાયમ ઓમપ્રકાશ ચૌધરીને ઈલેક્ટ્રિક શોક લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. એક યુવાન મજૂરનું જીવતું જીવન પળવારમાં છીનવાઈ જતાં સલામતી વ્યવસ્થા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગઈ છે.પ્રાથમિક માહિતી મુજબ મુલાયમ ચૌધરી રાત્રિના સમયે પોતાના રૂમમાં લોખંડના એંગલ સાથે શાકભાજીની થેલી ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન એંગલ જીવંત વીજ પ્રવાહના સંપર્કમાં આવતા તેમને જોરદાર ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વાગરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા વાગરા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે લેબર કોલોનીમાં વીજ સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવ્યા હતા કે નહીં, તેની પણ ઊંડી તપાસ થવી જોઈએ. મજૂરોના જીવ સાથે બેદરકારી સહન ન થાય તેવી માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહ્યું કે તપાસમાં હકીકત શું સામે આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!