વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પીંગલવાડા ગામે ઢાઢર નદીમાં બનેલી કરુણ ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધું છે. ગણપતિ વિસર્જનની રાત્રે, તા. 25-09-2026ના રોજ મોડીસાંજે એક 22 વર્ષીય યુવક નદીમાં ડૂબી જતાં હાહાકાર મચી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગે વિસર્જનનો બંદોબસ્ત પૂર્ણ કરીને તાત્કાલિક બોટ સાથે સ્થળ પર દોડી આવ્યું હતું. પરંતુ ઘટનાસ્થળે ઘોર અંધારું અને નદીમાં મોટા મગરોની હાજરીને કારણે રાત્રે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવું અત્યંત જોખમી બન્યું હતું. જેના કારણે ફાયર વિભાગે કામગીરી સ્થગિત રાખી વહેલી સવારે ફરીથી ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
આજ રોજ તા. 26-09-2026ના રોજ સવારે 7 વાગ્યાથી કરજણ ફાયર વિભાગની ટીમ ફરી બોટ સાથે ઢાઢર નદીમાં ઉતરી હતી. સતત અંદાજે અઢી કલાક સુધી જીવના જોખમે શોધખોળ ચલાવ્યા બાદ સવારે આશરે 9:30 વાગ્યે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. મૃતકની ઓળખ કરજણ તાલુકાના માનપુર ગામના રહેવાસી વિરાજભાઈ રમણભાઈ વસાવા ઉંમર આશરે 22 વર્ષ તરીકે થઈ છે. ઘટનાના પગલે પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ફાયર વિભાગની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com