Skip to main content

Geo Gujarat News

વાગરા: દહેજથી સાયખા જતું ઇથેલિન ઓક્સાઇડ ભરેલું ટેન્કર પીસાદ પાસે પલટી મારતા હડકંપ, જીવલેણ કેમિકલ વચ્ચે તંત્ર દોડતું થયું..

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીસાદ ગામ નજીક એક ગંભીર અને ચિંતાજનક અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. દહેજમાંથી અત્યંત જોખમી ગણાતું ઇથેલિન ઓક્સાઇડ કેમિકલ ભરેલું ટેન્કર સાયખા GIDC સ્થિત જય કેમિકલ કંપનીમાં અનલોડ કરવા જઈ રહ્યું હતું, ત્યારે રસ્તામાંજ જ પલટી મારી ગયું હતું. પ્રાથમિક માહિતી મુજબ GJ-16-AV-1327 નંબરના ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર અચાનક રસ્તા પર પલટી ખાઈ ગયું હતું. ટેન્કરમાં જોખમી કેમિકલ ભરાયેલું હોવાથી અકસ્માતની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. અને તંત્ર પણ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાગરા મામલતદાર, પોલીસ અને અન્ય અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે અકસ્માત સ્થળનો માર્ગ તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી, જેથી કોઈ વાહનચાલક અથવા સ્થાનિક લોકો જોખમમાં ન મુકાય. ફાયર વિભાગે પણ ફાયર ટેન્ડરને સ્ટેન્ડબાય રાખીને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી હતી.સ્થાનિક લોકોમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આવા જીવલેણ અને સંવેદનશીલ કેમિકલ ભરેલા ટેન્કરો જાહેર માર્ગો પરથી પસાર થાય છે. ત્યારે સુરક્ષાના ધોરણોનું પાલન કેટલું થાય છે? જો ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થયું હોત તો મોટી જાનહાનિ અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચવાની શક્યતા નકારી શકાય નહીં. સદનસીબે પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આ ઘટના ફરી એકવાર દહેજ-સાયખા ઔદ્યોગિક પટ્ટામાં જોખમી કેમિકલના પરિવહન સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે.સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર ટેન્ડર ઉપરાંત બે ક્રેનને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી ટેન્કરને સલામત રીતે હટાવવાની કામગીરી જરૂર પડ્યે તાત્કાલિક શરૂ કરી શકાય. હાલ પોલીસ દ્વારા સમગ્ર માર્ગ સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવ્યો છે. અને કોઈપણ વાહનને અકસ્માત સ્થળ તરફ જવા દેવામાં આવતું નથી. અધિકારીઓ સતત સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!