Skip to main content

Geo Gujarat News

ભરૂચી વહોરા પટેલ સમાજના આર્થિક સશક્તિકરણ તરફ વધુ એક પગલું, WBVF સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ભરૂચ, તા. ૧: ભરૂચ ખાતે ધ વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન (WBVF) દ્વારા સંચાલિત ધ WBVF બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિ.ની સને ૨૦૨૫-૨૬ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇકરા સ્કૂલના હોલ ખાતે યોજાયેલી આ સભામાં સંસ્થાના હોદ્દેદારો, વ્યવસ્થાપક સમિતિના સભ્યો, સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચી વહોરા પટેલ સમાજમાં આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને સહાયરૂપ થવાના હેતુથી WBVF છેલ્લા સાત વર્ષથી વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. સમાજને શિક્ષિત, સંગઠિત, સ્વાવલંબી અને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે સંસ્થા દ્વારા વ્યાજમુક્ત ધિરાણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને શરાફી વ્યાજના ભારણમાંથી સમાજના લોકોને રાહત મળે અને તેઓ પોતાના આર્થિક વિકાસ તરફ આગળ વધી શકે તે દિશામાં મંડળીની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો.વાર્ષિક સાધારણ સભા દરમિયાન મંડળીના અધ્યક્ષ ઉસ્માનભાઈ પટેલ (બેંકર)એ સંસ્થાની અત્યાર સુધીની કામગીરી અને વિકાસયાત્રા અંગે સભાસદોને માહિતગાર કર્યા હતા. મંડળીની સ્થાપનાથી લઈને તેના વિસ્તરણ સુધીની કામગીરીનો અહેવાલ રજૂ કરતાં તેમણે સમાજના હિતમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની વિગતો આપી હતી. મંડળી દ્વારા સંચાલિત અલીફ માર્ટ મારફતે જીવનજરૂરિયાતની ગુણવત્તાસભર ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોની પણ માહિતી આપવામાં આવી હતી. મંડળીના જનરલ સેક્રેટરી રફીકભાઈ પટેલે વાર્ષિક હિસાબો સભાસદો સમક્ષ રજૂ કર્યા હતા. આ સાથે મંડળીની આર્થિક કામગીરી, સંસ્થાકીય પ્રવૃત્તિઓ અને આગામી સમયની કામગીરી અંગે પણ સભામાં ચર્ચા કરવામાં આવી હતી. સભા દરમિયાન કારોબારી સભ્ય ડૉ. ઇસ્માઇલભાઈ પટેલે આગામી પાંચ વર્ષ માટે સર્વસંમતિથી પસંદ થયેલા નવનિયુક્ત વ્યવસ્થાપક સમિતિના સભ્યોનાં નામો બહાલી માટે રજૂ કર્યા હતા. ઉપસ્થિત સભાસદોએ સર્વસંમતિથી નવી વ્યવસ્થાપક સમિતિને મંજૂરી આપી હતી અને નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે WBVF ઈન્ડિયા ચેપ્ટરના પ્રમુખ નાસીરભાઈ પટેલે પ્રાસંગિક તથા પ્રેરણાદાયી સંબોધન કરી સમાજના વિકાસમાં સંગઠન, સહકાર અને આર્થિક સ્વાવલંબનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સંસ્થાની પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે સૌના સહયોગની જરૂરિયાત વ્યક્ત કરી હતી. અંતે તલ્હાભાઈ પટેલે આભારવિધિ કરી હતી. ત્યારબાદ સોએબભાઈ સારોદવાલાની દુઆ સાથે વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. સભામાં થયેલી ચર્ચાઓ અને નિર્ણયો સાથે મંડળીની આગામી પાંચ વર્ષની કામગીરી માટે નવી વ્યવસ્થાપક સમિતિને જવાબદારી સોંપવામાં આવી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!