રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે 2 ઓક્ટોબરના રોજ આમોદ મામલતદાર કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ સંકલ્પ અભિયાન અંતર્ગત એક ભવ્ય અને પ્રેરણાદાયી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આમોદના મામલતદાર ડો. મયુર વરિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેવાયજ્ઞમાં મામલતદાર કચેરીના નાયબ મામલતદાર, કારકુન, રેવન્યુ તલાટી, ઓપરેટર અને પટાવાળા સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
આ ઉપરાંત આમોદ શહેરના મધ્યાહન ભોજન સંચાલકો અને સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકો સહિત આશરે 40 જેટલા નાગરિકો અને કર્મચારીઓએ સામૂહિક રીતે કચેરીના આંતરિક પ્રાંગણ તેમજ આસપાસના પરિસરમાં સાવરણી અને સાધનો વડે જાતે સફાઈ કામગીરી કરી હતી.
આ સફાઈ દરમિયાન એકત્રિત કરાયેલા કચરાને આમોદ નગરપાલિકાના સહયોગથી વાહનની મદદથી યોગ્ય અને સલામત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મામલતદાર ડો. મયુર વરિયાએ પ્રેરક અપીલ કરતા જણાવ્યું હતું કે માત્ર સરકારી તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવે તે પૂરતું નથી, પરંતુ જાહેર સ્થળોએ કચરો ન નાખીને પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવો એ દરેક નાગરિકની નૈતિક અને સામૂહિક જવાબદારી છે. આ અભિયાન દ્વારા “સ્વચ્છ આંગણું, સ્વચ્છ ગામડું, સ્વચ્છ શહેર”નો દ્રઢ સંદેશ આપીને ગાંધીજીના સ્વચ્છ સમાજના સ્વપ્નને સાકાર કરવા તથા સ્વસ્થ ગુજરાત અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સૌ નાગરિકોને સક્રિય સહભાગી બનવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023