Skip to main content

Geo Gujarat News

વડોદરા: ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં સાવલી બાર એસોસિએશનનો મક્કમ વિરોધ, 5 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ..

ગુજરાત ભાડા વિધેયક, 2026ને લઈને સાવલી બાર એસોસિએશન દ્વારા વિરોધનો સૂર વધુ ઉગ્ર બન્યો છે. નવા કાયદાની જોગવાઈઓથી વકીલો તેમજ પ્રજાજનોને વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવના વ્યક્ત કરતાં એસોસિએશને હવે કોર્ટની કામગીરીથી અળગા રહેવાનો કડક નિર્ણય લીધો છે. 5 ઓક્ટોબર, 2026થી અચોક્કસ મુદત સુધી હડતાળ પર રહેવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. બાર એસોસિએશનના વકીલોએ ગુજરાત ભાડા વિધેયક, 2026 સામે ગંભીર વાંધો નોંધાવી કાયદામાં જરૂરી સુધારા કરવાની માંગ ઉઠાવી છે. એસોસિએશનનું કહેવું છે કે નવા કાયદાની અમલવારીથી વકીલોની કામગીરી ઉપરાંત સામાન્ય પક્ષકારો માટે પણ પ્રક્રિયા વધુ મુશ્કેલ બનવાની સંભાવના છે. આ મુદ્દે માત્ર વિરોધ પૂરતો સીમિત ન રહી, કાયદામાં જરૂરી ફેરફારો કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.આ ઉપરાંત સાવલી બાર એસોસિએશને કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ વિનંતી પણ કરી છે. હડતાળ દરમિયાન પક્ષકારો અથવા તેમના વકીલો કોર્ટમાં હાજર ન રહી શકે તેવી સ્થિતિ સર્જાય તો તેમની ગેરહાજરીના કારણે કોઈ કેસમાં એકતરફી કાર્યવાહી ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પક્ષકારોના હિતોને નુકસાન ન પહોંચે તે માટે એસોસિએશને કોર્ટનું ધ્યાન દોર્યું છે. નવા કાયદા હેઠળ કેસોના નિકાલ માટે મહેસૂલ અધિકારીઓની દેખરેખ હેઠળ ત્રણ સ્તરીય વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાના મુદ્દે પણ વકીલ મંડળે અસંતોષ વ્યક્ત કર્યો છે. પરંપરાગત ન્યાયિક પ્રક્રિયા સામે ઊભી થતી વ્યવસ્થાઓ અને તેની અસર અંગે સાવલીના વકીલોમાં પ્રશ્નો ઊભા થયા છે. જેના પગલે કાયદામાં જરૂરી સુધારા અને વ્યવહારુ ઉકેલની માંગ સાથે આ વિરોધને અચોક્કસ મુદત સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. સાવલી બાર એસોસિએશનના આ નિર્ણયથી હવે કોર્ટની કામગીરી પર સીધી અસર પડવાની શક્યતા છે. કાયદાની જોગવાઈઓ અંગે વકીલ મંડળ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે નહીં અને સરકાર દ્વારા કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવે છે કે નહીં તેના પર હવે સૌની નજર રહેશે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!