Skip to main content

Geo Gujarat News

આમોદ: કોર્ટની કામગીરીથી અળગા રહેવાનો સર્વાનુમતે નિર્ણય, નવા કાયદામાં સુધારાની માંગ, પક્ષકારોની ગેરહાજરીમાં એકતરફી કાર્યવાહી ન કરવા કોર્ટને વિનંતી..

ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬ના વિરોધમાં હવે આમોદ બાર એસોસિએશને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. કાયદાની જોગવાઈઓને લઈને વકીલો અને પક્ષકારોને મુશ્કેલી ઊભી થવાની સંભાવના વ્યક્ત કરતાં આમોદ બાર એસોસિએશને ૫ ઓક્ટોબર, ૨૦૨૬થી અચોક્કસ મુદત સુધી કોર્ટની કામગીરીથી અળગા રહેવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો છે. વકીલ મંડળના આ નિર્ણયથી ભાડા વિધેયક સામેનો વિરોધ વધુ ઉગ્ર બનવાના સંકેતો મળી રહ્યા છે. આમોદ બાર એસોસિએશનના પ્રમુખ સુનીલભાઈ વાય. પટેલની આગેવાની હેઠળ સેક્રેટરી સંજય કે. પરમાર સહિત યુસુફ પટેલ, રફીક પટેલ, કમલેશ મકવાણા, વિકાસ પટેલ, સઅદ પટેલ, ફૈઝલ પટેલ સહિતના વકીલોએ નવા કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે નવા કાયદાની જોગવાઈઓના કારણે સામાન્ય પ્રજાજનો તેમજ કાયદાકીય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે વ્યવહારુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે. વકીલ મંડળે નવા કાયદાની અમલવારી અને તેની હેઠળ ઊભી થતી નવી વ્યવસ્થાઓ સામે પણ ગંભીર વાંધો વ્યક્ત કર્યો છે.ખાસ કરીને કેસોના નિરાકરણ માટે મહેસૂલ અધિકારીઓની દેખરેખ હેઠળ ત્રણ સ્તરીય વિશેષ વ્યવસ્થા ઊભી કરવાની જોગવાઈને લઈને વકીલોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આમોદ બાર એસોસિએશને વધુ એક મહત્વપૂર્ણ માંગ સાથે કોર્ટને વિનંતી કરી છે કે પક્ષકાર અથવા તેમના વકીલની ગેરહાજરીમાં કોઈપણ કેસમાં એકતરફી કાર્યવાહી ન કરવામાં આવે. હડતાળના સમયગાળા દરમિયાન પક્ષકારોને નુકસાન ન થાય અને કાયદાકીય પ્રક્રિયામાં તેમના હિતોનું રક્ષણ થાય તે માટે આ બાબતે ખાસ ધ્યાન આપવા રજૂઆત કરવામાં આવી છે. એક તરફ નવા ભાડા કાયદાને લઈને કાયદાકીય ક્ષેત્રમાં ચર્ચા અને વિરોધ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ આમોદ બાર એસોસિએશનનો અચોક્કસ મુદતનો નિર્ણય સરકાર અને સંબંધિત તંત્ર માટે પણ પડકારરૂપ બની શકે છે. હવે સવાલ એ છે કે વકીલ મંડળની માંગણીઓ સામે સરકાર શું વલણ અપનાવે છે અને ભાડા વિધેયકમાં સુધારા અંગે કોઈ નક્કર પગલાં લેવાય છે કે નહીં. યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!