Skip to main content

Geo Gujarat News

આમોદમાં કોલસાથી ભરેલી ટ્રકમાં અચાનક આગ, ધુમાડાથી અફરાતફરી, ફાયર ટીમની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી!

ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં હોટલ સમા વિસ્તારમાં કોલસાથી ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાંથી અચાનક ધુમાડો નીકળતો નજરે પડતાં આસપાસના લોકો સતર્ક બન્યા હતા. અને ટ્રક ચાલકને તાત્કાલિક આગ અંગે ચેતવણી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં આમોદ નગરપાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું, જ્યારે જંબુસરથી પણ ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવતા ટીમ સમયસર પહોંચી હતી. કોલસાથી ભરેલી ટ્રકમાં આગ વધુ ભભૂકી હોત તો પરિસ્થિતિ ગંભીર બની શકતી હતી. ખાસ કરીને ટ્રક રસ્તા પર વધુ સમય સુધી ઉભી રહી હોત અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો આસપાસના વાહનો, લોકો અને મિલકત માટે મોટું જોખમ ઊભું થવાની શક્યતા હતી.ઘટનાની ગંભીરતા વચ્ચે ફાયર ટીમોની તાત્કાલિક કામગીરી અને સમયસૂચકતાના કારણે આગને કાબૂમાં લેવામાં આવી હતી અને સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાએ ફરી એકવાર જાહેર માર્ગો પર જ્વલનશીલ સામગ્રી અથવા કોલસા જેવા માલસામાનથી ભરેલા ભારે વાહનોની સલામતી વ્યવસ્થા અંગે સવાલો ઉભા કર્યા છે. ટ્રકમાં આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ બાદ જ ચોક્કસ હકીકત સામે આવશે, પરંતુ જો આગ પર સમયસર કાબૂ મેળવવામાં વિલંબ થયો હોત તો સ્થિતિ કેટલી ગંભીર બની શકતી હતી તેનો અંદાજ આ ઘટનાથી લગાવી શકાય છે. સમયસર મળેલી ચેતવણી અને ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીથી સંભવિત મોટી દુર્ઘટના ટળી હોવાનું કહી શકાય.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!