Skip to main content

Geo Gujarat News

આમોદમાં રખડતા પશુઓ સામે પાલિકાની લાલ આંખ! મેગા ડ્રાઈવથી પશુમાલિકોમાં ફફડાટ, 6 પશુઓ પાંજરાપોળે મોકલાયા..

આમોદ શહેરમાં રખડતા પશુઓના વધતા ત્રાસ સામે આખરે આમોદ નગરપાલિકા અને ભરૂચ કામધેનુ ગૌ રક્ષા સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. શહેરના મુખ્ય બજાર, મેઈન ચોકડી, જાહેર માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોમાં અડીંગો જમાવીને બેસતા રખડતા પશુઓ સામે સંયુક્ત રીતે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવતા પશુમાલિકોમાં ફફડાટ ફેલાયો છે. લાંબા સમયથી રખડતા પશુઓના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને ખાસ કરીને શાળાએ જતા બાળકોની સલામતી સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા.આમોદ શહેરના જાહેર રસ્તાઓ જાણે રખડતા પશુઓના અડ્ડા બની ગયા હોય તેવી સ્થિતિ અનેક સ્થળોએ જોવા મળતી હતી. રસ્તાની વચ્ચે બેસી રહેતા પશુઓના કારણે વાહનચાલકોને અચાનક બ્રેક મારવાની ફરજ પડતી હતી, જ્યારે ભીડભાડવાળા વિસ્તારોમાં અકસ્માતનો સતત ભય રહેતો હતો. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે રસ્તા પરથી પસાર થવું જોખમી બનતું હોવાની ફરિયાદો વચ્ચે હવે પાલિકાએ માત્ર સૂચના આપીને અટકી જવાને બદલે સીધી કાર્યવાહીનો રસ્તો અપનાવ્યો છે.

પાલિકા દ્વારા અગાઉ જાહેરમાં સૂચનાઓ અને ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં કેટલાક પશુમાલિકો દ્વારા પોતાના પશુઓને જાહેર રસ્તાઓ પર રખડતા મૂકવાની બેદરકારી યથાવત રહેતા તંત્રએ હવે મેદાનમાં ઉતરીને કાર્યવાહી શરૂ કરી છે. મેગા ડ્રાઈવ દરમિયાન આશરે 6 ગાયો અને વાછરડાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેને સુરક્ષિત રીતે ભરૂચ પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન જાહેર રસ્તા પર પશુઓ છોડનાર માલિકોને પણ હવે તંત્રની કડકાઈનો સંદેશ સ્પષ્ટ રીતે મળી ગયો છે. કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્તની હાજરી અને પાલિકાની ટીમની સક્રિય કામગીરીને કારણે વાતાવરણમાં એક પ્રકારનો ફફડાટ જોવા મળ્યો હતો. પોતાના પશુઓને બેફામ રીતે જાહેરમાં રખડતા મૂકવાની ટેવ ધરાવતા પશુમાલિકો હવે દોડતા થયા છે. અત્યાર સુધી માત્ર ચેતવણીથી કામ ચલાવાતું હતું, પરંતુ હવે પાલિકાએ પશુ રસ્તા પર છોડશો તો કાર્યવાહી થશે તેવો કડક સંદેશ આપ્યો છે. આ સમગ્ર ઝુંબેશ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી સતત અને નિયમિત રીતે ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. જો આ કામગીરી માત્ર એકાદ દિવસની ઝુંબેશ પૂરતી મર્યાદિત ન રહે અને નિયમિત ધોરણે ચાલુ રહે, તો આમોદ શહેરના મુખ્ય માર્ગો પરથી રખડતા પશુઓનો ત્રાસ ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મળી શકે છે.આપરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે રખડતા પશુઓને પકડીને પાંજરાપોળ મોકલવાથી જ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે પશુમાલિકોની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે? શહેરમાં પશુઓને જાહેર માર્ગો પર છોડી દેવાની પ્રવૃત્તિ પર કાયમી રોક લગાવવા માટે જવાબદાર માલિકો સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી, વારંવારની ચકાસણી અને સતત પેટ્રોલિંગ જરૂરી છે. નહીં તો આજે 6 પશુઓ પકડાશે અને આવતીકાલે ફરી નવા પશુઓ રસ્તા પર આવી જશે. આમોદ શહેરના નાગરિકો હવે માત્ર એક દિવસની મેગા ડ્રાઈવ નહીં, પરંતુ કાયમી અને અસરકારક વ્યવસ્થા ઈચ્છી રહ્યા છે. પાલિકાની આ શરૂઆત ખરેખર પ્રશંસનીય છે, પરંતુ હવે તેની કસોટી એ રહેશે કે આગામી દિવસોમાં પણ કાર્યવાહીનો આ જ ધડાકો જળવાઈ રહે છે કે નહીં. જો તંત્ર સતત કડકાઈ જાળવે તો રખડતા પશુઓના ત્રાસથી આમોદવાસીઓને મોટી રાહત મળી શકે છે. અન્યથા આ મેગા ડ્રાઈવ પણ માત્ર એક દિવસની કાર્યવાહી બનીને રહી જવાની ભીતિ નકારી શકાય નહીં.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!