વાગરા તાલુકાના અંભેલ ગામે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીના સંવર્ધનના સંદેશ સાથે ૭૭મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંભેલ વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત અલગ-અલગ પ્રજાતિનાં કુલ ૨૦,૦૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણના જતન અને હરિયાળા ભવિષ્યના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ અંભેલ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રેરક ઉપસ્થિતિમાં વાગરાના મામલતદાર તથા ભરૂચના સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત ગામના તલાટી, શાળાનાં બાળકો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
વન મહોત્સવના આ અવસરે વૃક્ષોનું મહત્વ, પર્યાવરણની જાળવણી અને આવનારી પેઢી માટે હરિયાળું વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. વૃક્ષો શુદ્ધ હવા, જૈવવિવિધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા કાર્યક્રમો દ્વારા બાળકો અને યુવાનોમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ તથા વૃક્ષો ઉછેરવાની ભાવના વિકસે તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંભેલ વન કવચ અંતર્ગત વિવિધ પ્રજાતિનાં ૨૦ હજાર રોપાનું વાવેતર ગામની હરિયાળીમાં વધારો કરવાની દિશામાં નોંધપાત્ર પહેલ છે. જોકે, વાવેતર સાથે રોપાઓની નિયમિત સંભાળ, પાણીની વ્યવસ્થા અને યોગ્ય જાળવણી પણ એટલી જ જરૂરી છે. ગ્રામજનો અને વન વિભાગના સહિયારા પ્રયાસોથી આ રોપાઓ વૃક્ષ બનીને વિકસે અને અંભેલ ગામ હરિયાળું બને તે જ વન મહોત્સવની સાચી સફળતા બની રહેશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com