ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં ગત રાત્રે થયેલા ભયાનક બ્લાસ્ટે સમગ્ર ઔદ્યોગિક પટ્ટામાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આશરે 15 કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હોવાની માહિતી સામે આવી છે. અચાનક થયેલા આ વિસ્ફોટે કંપનીના કર્મચારીઓ સહિત આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. ઘટનાની ગંભીરતા એટલી હતી કે આસપાસની કંપનીઓનાં સ્ટ્રક્ચર પણ ધ્રૂજી ઊઠ્યાં હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા દરમિયાન ગત રાત્રે આશરે 10:30થી 11 વાગ્યાની વચ્ચે આ ભયાનક બ્લાસ્ટ થયો હતો. ભરૂચનાં SDM મનીષા માનાણીના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. જોકે, ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અને બ્લાસ્ટનું સંપૂર્ણ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ધડાકાની તીવ્રતા એટલી કે 200 મીટર દૂર ટ્રેક્ટરનું ટાયર ફાટ્યું બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કંપનીથી આશરે 200 મીટર દૂર ઊભેલા ટ્રેક્ટરનું ટાયર પણ ફાટી ગયું હતું. આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં થતી પ્રક્રિયાઓની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો 200 મીટર દૂર ઊભેલા વાહનને આટલી અસર થઈ શકે, તો કંપનીની અંદર કામ કરતા કર્મચારીઓએ કેટલી ભયાનક પરિસ્થિતિનો સામનો કર્યો હશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. જોકે, વિસ્ફોટની ચોક્કસ તીવ્રતા અને નુકસાનની હદ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ગેસ લીકેજની આશંકા વચ્ચે લોકોમાં નાસભાગ, આંખોમાં બળતરાની ફરિયાદો! બ્લાસ્ટ બાદ ગેસ લીકેજની આશંકા વચ્ચે ઘટનાસ્થળે હાજર લોકોની આંખોમાં બળતરા થવા લાગતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પરિસ્થિતિથી બચવા માટે લોકો ઘટનાસ્થળેથી ભાગવા લાગ્યા હતા. એક તરફ બ્લાસ્ટનો ભયાનક અવાજ અને બીજી તરફ ગેસ લીકેજની આશંકાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સના સતત ગુંજતા સાયરનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો.
તંત્ર દોડતું થયું, પોલીસ અને ફાયર વિભાગે સંભાળ્યો મોરચો: ઘટનાની જાણ થતાં જ ભરૂચ SDM મનીષા માનાણી, વાગરા પોલીસ, વાગરા મામલતદાર, ફાયર ટેન્ડરો અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્લાસ્ટની ગંભીરતાને પગલે ઘટનાસ્થળે તંત્રની દોડધામ વધી ગઈ હતી. જોકે, આવી ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં માત્ર ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી કરવી પૂરતી નથી, દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ, સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી હતી કે કેમ અને જોખમી પ્રક્રિયા દરમિયાન તમામ નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં, તે પણ તપાસનો મહત્ત્વનો વિષય છે.
ચારનાં મોત બાદ ઔદ્યોગિક સુરક્ષાની જવાબદારી કોની? સાયખા GIDCમાં બનેલી આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં કર્મચારીઓની સુરક્ષા, જોખમી રાસાયણિક પ્રક્રિયાઓ પર દેખરેખ અને કટોકટીની પરિસ્થિતિમાં બચાવ વ્યવસ્થાની સજ્જતા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાઇડ્રોજીનેશન જેવી પ્રક્રિયા દરમિયાન સલામતીના કયા માપદંડો અમલમાં હતા, સાધનો અને પ્રેશર સિસ્ટમની સ્થિતિ કેવી હતી, ગેસ લીકેજ થયું હતું કે કેમ અને બ્લાસ્ટને રોકવા માટેની વ્યવસ્થા કાર્યરત હતી કે નહીં. આ તમામ મુદ્દાઓની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે જો કંપનીમાં તમામ સુરક્ષા નિયમોનું યોગ્ય રીતે પાલન થતું હતું, તો આટલો ભયાનક બ્લાસ્ટ કેવી રીતે થયો? અને જો કોઈ બેદરકારી સામે આવે, તો જવાબદાર વ્યક્તિઓ કે સંચાલકો સામે કડક કાર્યવાહી થશે કે કેમ? આ પ્રશ્નોના જવાબ માત્ર કાગળ પરના અહેવાલોથી નહીં, પરંતુ પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવાથી જ મળી શકશે.
મૃતકોના પરિવારોને ન્યાય અને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ: સાથે જ સંબંધિત ઔદ્યોગિક સુરક્ષા વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ તંત્ર દ્વારા ઘટનાના તમામ પાસાંની તપાસ કરવામાં આવે, ગેસ લીકેજ અંગેની હકીકત સ્પષ્ટ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. સિનઝીલ ફાર્માકેમમાં થયેલો આ ભયાનક બ્લાસ્ટ માત્ર એક કંપનીની દુર્ઘટના બનીને ન રહી જાય, પરંતુ સમગ્ર ઔદ્યોગિક પટ્ટામાં કામદારોની સુરક્ષા અંગે જવાબદારી નક્કી કરાવતી ચેતવણી સાબિત થાય તે અત્યંત જરૂરી છે.
નોંધનીય બાબત એ છે કે સાયખા GIDCમાં 53 કર્મચારીઓ સાથે કાર્યરત થયેલી સિનઝીલ ફાર્માકેમ કંપનીને હજી એક વર્ષ પણ પૂર્ણ થયું નથી, ત્યાં જ આટલી ભયાનક દુર્ઘટના સર્જાતાં ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કંપની શરૂ થયાને ટૂંકો સમય થયો હોવા છતાં હાઇડ્રોજીનેશન જેવી જોખમી પ્રક્રિયા દરમિયાન આટલો પ્રચંડ બ્લાસ્ટ કેવી રીતે થયો, સુરક્ષાનાં તમામ માપદંડોનું પાલન થતું હતું કે કેમ અને સંબંધિત વિભાગો દ્વારા જરૂરી તપાસ તથા દેખરેખ રાખવામાં આવતી હતી કે નહીં, તે તપાસનો વિષય બન્યો છે. 53 કર્મચારીઓ સાથે કાર્યરત એકમમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત અને બેની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવતાં હવે જવાબદાર તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી હકીકત જાહેર કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com