ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી સેન્ઝીલ ફાર્માકેમ કંપનીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની દુર્ઘટનાએ અનેક પરિવારોને ઊંડા શોકમાં ગરકાવ કરી દીધા છે. આ દુર્ઘટનામાં આમોદ તાલુકાના સરભાણ ગામના ભાવિક વસાવા અને આસનેરા ગામના જયદીપ પટેલે જીવ ગુમાવતાં બંને ગામો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી. યુવાન દીકરાઓના અકાળે અવસાનથી બંને પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
આ દુઃખદ ઘડીમાં મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે ધારાસભ્ય ડી.કે. સ્વામી કંપનીના સત્તાધીશો સાથે સરભાણ અને આસનેરા ગામે પહોંચ્યા હતા. ત્યાં તેમણે શોકગ્રસ્ત પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું અને દુઃખની આ કપરી પરિસ્થિતિમાં પરિવારની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે દિવંગત યુવાનોના આત્માની શાંતિ માટે ભગવાનની ધૂન પણ બોલાવવામાં આવી હતી.
બ્લાસ્ટની દુર્ઘટનામાં બે યુવાનોએ જીવ ગુમાવતાં તેમના પરિવારને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી કંપનીના સત્તાધીશો દ્વારા બંને પરિવારોને રૂપિયા ૫૦-૫૦ લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આમ, બંને પરિવારોને કુલ રૂપિયા એક કરોડની સહાય આપવાની જાહેરાતને સાકાર કરતાં ચેક સોંપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કંપનીના સત્તાધીશોએ ભવિષ્યમાં પણ વધુ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત આગેવાનોએ પણ મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આ દુઃખની ઘડીમાં પરિવારજનોને હિંમત રાખવા જણાવ્યું હતું. નોંધનીય છે કે, સાયખા GIDCની આ દુર્ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારમાં કામદારોની સુરક્ષા અને સલામતી અંગે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે. આર્થિક સહાયથી પરિવારને મુશ્કેલ સમયમાં ટેકો મળી શકે છે, પરંતુ પોતાના વહાલસોયા યુવાનને ગુમાવ્યાનું દુઃખ ક્યારેય ઓછું થઈ શકતું નથી. હવે જરૂરી છે કે આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ઔદ્યોગિક એકમોમાં સલામતીના નિયમોનું કડક પાલન થાય અને કામદારોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023