Skip to main content

Geo Gujarat News

દિવાળી પહેલાં ભરૂચના 12 હજારથી વધુ ઉદ્યોગોને મોટી રાહત! સરકારનો યુ-ટર્ન, ઔદ્યોગિક વીજ કાપ પાછો ખેંચાયો, ઉત્પાદન અને રોજગારી પરનું સંકટ ટળ્યું!

ભરૂચ જિલ્લામાં દિવાળી પૂર્વે ઉદ્યોગો પર તોળાઈ રહેલા વીજ સંકટના વાદળો હાલ પૂરતાં વિખેરાયાં છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં જાહેર કરવામાં આવેલો સાપ્તાહિક રોટેશન મુજબનો વીજ કાપ રાજ્ય સરકારે પાછો ખેંચી લેતાં ભરૂચ જિલ્લાના 12 હજારથી વધુ ઉદ્યોગોને મોટી રાહત મળી છે. વીજ કાપને કારણે ઉત્પાદન પ્રક્રિયા ખોરવાવાની અને ઉદ્યોગો બંધ રાખવાની નોબત ઊભી થઈ હતી, જેના કારણે ઉદ્યોગકારો ઉપરાંત હજારો કામદારોની રોજગારી પર પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો. દક્ષિણ ગુજરાતમાં ઊર્જા સંકટના એંધાણ વચ્ચે ઔદ્યોગિક એકમોમાં વીજ પુરવઠો ખોરવાય તો ઉત્પાદન, ઓર્ડરની સમયમર્યાદા અને ઉદ્યોગોની આર્થિક વ્યવસ્થા પર ગંભીર અસર થવાની ભીતિ હતી. ખાસ કરીને દિવાળી જેવા મહત્વના તહેવાર પહેલાં વીજ કાપની જાહેરાતે ઉદ્યોગજગતમાં ચિંતા વધારી હતી. સવાલ એ હતો કે જો ઉદ્યોગો જ બંધ રાખવા પડે તો ઉત્પાદનના નુકસાનની સાથે કામદારોની રોજીરોટીનું શું થાય? જોકે, સરકારે વીજ કાપ પાછો ખેંચવાનો નિર્ણય લેતાં હાલ પૂરતી આ ચિંતા દૂર થઈ છે.અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ અને વિલાયત સહિતના મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારોનાં ઉદ્યોગ મંડળો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ નિગમ અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ઉદ્યોગકારોએ વીજ કાપથી ઊભી થનારી મુશ્કેલીઓ અને ઉત્પાદન પર પડનારી સંભવિત અસર અંગે ધ્યાન દોર્યું હતું. આ રજૂઆતોને પગલે ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ કાપ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સરકારના આ નિર્ણયથી ભરૂચ જિલ્લાના ઉદ્યોગકારો અને શ્રમિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આ સમગ્ર ઘટનાએ ઔદ્યોગિક વિકાસ માટે અવિરત અને વિશ્વસનીય વીજ પુરવઠો કેટલો અનિવાર્ય છે તે પણ સ્પષ્ટ કર્યું છે. એક તરફ ઉદ્યોગોને ઉત્પાદન વધારવા અને રોજગારી ટકાવી રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે, ત્યારે બીજી તરફ વીજ કાપ જેવી સ્થિતિ ઊભી થાય તો તેની સીધી અસર સમગ્ર ઔદ્યોગિક અર્થતંત્ર પર પડે છે. હવે ઉદ્યોગકારોની નજર એ વાત પર રહેશે કે દિવાળીના તહેવાર દરમિયાન અને ત્યારબાદ પણ વીજ પુરવઠો નિયમિત જળવાઈ રહે, જેથી ઉત્પાદન અટકે નહીં અને કામદારોની રોજગારી પર કોઈ જોખમ ઊભું ન થાય.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!