ભરૂચ જિલ્લાના થામ ગામમાં નાની કેનાલ પાસે આશરે 8 ફૂટ લાંબો અજગર દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ સાથે સાવચેતીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતાં આરએફઓ દિવ્યા ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિ સંરક્ષણ ચેરીટેબલ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. આરએફઓ દિવ્યા ચૌધરીનો ફોન મળતાં જ રેસ્ક્યુ ટીમના રમેશ દવે અને જયરામ ગલચર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચેલી ટીમે સંપૂર્ણ સાવચેતી અને કુશળતા સાથે અજગરનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. વન્યજીવને કોઈપણ પ્રકારની ઈજા ન પહોંચે તેની ખાસ તકેદારી રાખીને અજગરને સુરક્ષિત રીતે પકડી યોગ્ય સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. ટીમની સમયસૂચક કામગીરીના કારણે અજગરને નુકસાન પહોંચાડ્યા વિના સમગ્ર રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રહેણાક વિસ્તાર કે જાહેર સ્થળે અજગર અથવા અન્ય કોઈ વન્યજીવ જોવા મળે ત્યારે ગભરાઈને તેને મારવાનો, પકડવાનો કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવો જોખમી બની શકે છે. આવી પરિસ્થિતિમાં વન્યજીવથી સુરક્ષિત અંતર જાળવી તાત્કાલિક વન વિભાગ અથવા તાલીમબદ્ધ રેસ્ક્યુ ટીમને જાણ કરવી જોઈએ. માનવજીવનની સુરક્ષા સાથે વન્યજીવોનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે. થામ ગામે હાથ ધરાયેલી આ કામગીરી વન્યજીવ પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રકૃતિ સંરક્ષણની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com