Skip to main content

Geo Gujarat News

ભરૂચ: 14 વર્ષ સુધી પોલીસને હાથતાળી આપી ફરતો આરોપી આખરે UPમાંથી ઝડપાયો, બનાવટી દસ્તાવેજો અને આર્મ્સ એક્ટના ગુનામાં પોલીસની મોટી કાર્યવાહી..

ભરૂચમાં કાયદાને પડકાર આપી છેલ્લા 14 વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીનો આખરે ખેલ ખતમ થયો છે. વર્ષ 2012માં બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા, તેનો ઉપયોગ કરવા અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં ફરાર આરોપીને ભરૂચ સી.ડિવિઝન પોલીસે ઉત્તર પ્રદેશના નોએડામાંથી ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહેલા આરોપીને પકડવા પોલીસે ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ભરૂચ સી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 મે, 2012ના રોજ બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા, તેનો ઉપયોગ કરવા અને ગુનાહિત કાવતરું રચવા સહિતની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના કિશની વિસ્તારનો રહેવાસી અરવિંદકુમાર કોમલસીંગ યાદવ (ઉં.વ. 42) લાંબા સમયથી ફરાર હતો. આરોપીની ધરપકડ માટે 7 સપ્ટેમ્બર, 2013ના રોજ કોર્ટે પણ ધરપકડ વોરંટ જારી કર્યું હતું, તેમ છતાં તે વર્ષો સુધી કાયદાની પકડથી દૂર રહ્યો હતો.આરોપીને શોધવા પોલીસે જૂના ફોનકોલ રેકોર્ડ્સની ઝીણવટભરી તપાસ કરી ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી નોએડામાં છુપાયો હોવાની ચોક્કસ માહિતી મળતાં ભરૂચ સી.ડિવિઝન પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી. નોએડાના ફેઝ-2 વિસ્તારમાં વોચ ગોઠવી સઘન તપાસ કર્યા બાદ આખરે 14 વર્ષથી ફરાર આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 14 વર્ષ સુધી ફરાર રહીને કાયદાની પકડમાંથી બચી શકાયું નહીં, આખરે ભરૂચ પોલીસની ટેકનિકલ તપાસ અને સતર્કતાએ આરોપીને જેલના દરવાજા સુધી પહોંચાડ્યો છે.

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!