દિવાળીના તહેવારોની આડમાં નશાના ગેરકાયદે કારોબારને અંજામ આપવાના પ્રયાસો સામે નેત્રંગ પોલીસે લાલ આંખ કરી છે. ટાઉનમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક્ટિવા પર ફરતા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરનારા બંને યુવકોની તપાસ કરતાં તેમની પાસેથી ગાંજાની 11 પડીકીઓ મળી આવી હતી. પોલીસે કુલ 21.13 ગ્રામ ગાંજો સહિત રૂ. 61,405નો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી છે.
નેત્રંગ પીઆઈ વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ એચ.પી. પેટ્રોલ પંપની સામે આવેલા જૂના બજાર ચાર રસ્તા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન કાળા રંગની એક્ટિવા પર સવાર બે યુવકો શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યા હતા. પોલીસની હાજરીનો અણસાર આવતાં જ બંનેએ સ્થળ પરથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસ સ્ટાફે ઘેરાબંધી કરીને બંનેને ઝડપી પાડ્યા હતા.
ત્યારબાદ એક્ટિવાના આગળના ભાગે લટકાવેલી લીલા રંગની થેલીની તપાસ કરતાં તેમાંથી પ્લાસ્ટિકની 11 નાની પારદર્શક પડીકીઓમાં ભરેલો કુલ 21.13 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે વનરાજસિંહ ઘનશ્યામસિંહ ઉર્ફે શિવસિંહ રાજ (ઉં.વ. 22) અને યુવરાજભાઈ સંજયભાઈ અણદાભાઈ પાટણવાડિયા (ઉં.વ. 19), બંને રહે. નેત્રંગની ધરપકડ કરી હતી. પોલીસે ગાંજા ઉપરાંત એક્ટિવા, બે મોબાઇલ ફોન, રોકડ રકમ અને પ્લાસ્ટિકની ખાલી કોથળીઓ મળી કુલ રૂ. 61,405નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ સામે NDPS એક્ટની કલમ 8(સી), 20(બી)(II)(એ) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને આ નશાનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. તહેવારોના માહોલમાં નશાના નેટવર્કને પગપેસારો કરવા દેવામાં નહીં આવે તેવો સંદેશ નેત્રંગ પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ થયો છે. હવે તપાસમાં ગાંજાના સપ્લાય પાછળના અસલી સૂત્રધારો સુધી પોલીસ પહોંચે છે કે કેમ તે જોવું રહ્યું.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com