Skip to main content

Geo Gujarat News

ભરૂચ: શહીદ જવાનોને સલામ સાથે પોલીસની સંવેદનશીલ પહેલ, સાથી કર્મચારીના પરિવારની મુલાકાતે પહોંચતા પત્નીની આંખો છલકાઈ, પોલીસની હૂંફે જૂની યાદો તાજી કરી

દેશની સુરક્ષા અને નાગરિકોની જાનમાલની રક્ષા કરતાં ફરજના માર્ગે સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનોને ભરૂચ પોલીસે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા શહીદ પીએસઆઈ એન.બી. બારોટ અને કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈના બલિદાનને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે પોલીસની ફરજ માત્ર કાયદો અને વ્યવસ્થા સુધી સીમિત નથી, પરંતુ પોતાના સાથી કર્મચારીઓના પરિવારની પડખે ઊભા રહેવાની માનવતા પણ તેમાં સામેલ છે, તેનો ભાવનાત્મક નજારો જોવા મળ્યો હતો.ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વર્ષ 2019થી દર વર્ષે 21 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ એન.કે. ડામોર સહિતના પોલીસ કર્મચારીઓએ શહીદ પીએસઆઈ એન.બી. બારોટ અને કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈના ફોટોગ્રાફ્સ પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના શૌર્ય, ફરજપરસ્તી અને બલિદાનને નમન કર્યું હતું.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીઆઈ એન.કે. ડામોર સહિતનો પોલીસ સ્ટાફ શહેરના રચના નગર ખાતે રહેતા શહીદ કોન્સ્ટેબલ ચતુરભાઈ ભીખાભાઈના ઘરે પહોંચ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પરિવારજનો સાથે આત્મીયતાથી મુલાકાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા. પરિવારને કોઈ મુશ્કેલી હોય કે કોઈ જરૂરિયાત ઊભી થાય તો નિઃસંકોચ જણાવવા પણ હૈયાધારણ આપી હતી. પોતાના સ્વજનને ફરજના માર્ગે ગુમાવનાર પરિવાર માટે પોલીસ વિભાગના સાથી કર્મચારીઓની આ મુલાકાત માત્ર ઔપચારિકતા નહોતી, પરંતુ લાગણી અને આત્મીયતાનો અહેસાસ કરાવનારી હતી.વર્ષો બાદ પણ પોતાના શહીદ સ્વજનને પોલીસ પરિવાર ભૂલ્યો નથી અને આજે પણ તેમની સાથે ઊભો છે, એ લાગણી અનુભવતાં શહીદ કોન્સ્ટેબલનાં પત્નીની આંખો ભરાઈ આવી હતી. તેમણે પોલીસ સ્ટાફની આ સંવેદનશીલ મુલાકાત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ માત્ર પુષ્પાંજલિ અર્પણ કરવામાં નથી, પરંતુ તેમના પરિવારની ચિંતા કરવી અને મુશ્કેલીના સમયે તેમની પડખે ઊભા રહેવામાં પણ છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસની આ પહેલે સાબિત કર્યું કે વર્દીની પાછળ માત્ર ફરજ જ નહીં, પરંતુ સાથીદારો પ્રત્યેની લાગણી અને માનવતાનું હૃદય પણ ધબકે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!