Skip to main content

Geo Gujarat News

નેત્રંગના દુર્ગમ જંગલોમાં હવે બારેમાસ ખેતીની આશા, 198 આદિવાસી ખેડૂતોને બોરમોટરના વર્ક ઓર્ડર, સિંચાઈની વર્ષો જૂની મુશ્કેલી દૂર થવાની આશા..

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ જંગલ વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી ખેડૂતો માટે ખેતીવાડી ક્ષેત્રે આશાનું નવું કિરણ ઊભું થયું છે. વર્ષોથી સિંચાઈના પૂરતા સાધનોના અભાવે માત્ર ચોમાસાના વરસાદ પર નિર્ભર રહેતા વન અધિકાર લાભાર્થી ખેડૂતોને હવે બારેમાસ ખેતી કરવાની તક મળવાની છે. મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના અંતર્ગત તાલુકાના 198 વન અધિકાર લાભાર્થી ખેડૂતોને બોરમોટર માટેના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે, જેના પગલે સ્થાનિક ખેડૂતોમાં આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લાભાર્થી ખેડૂતોને વર્ક ઓર્ડર સુપરત કરવામાં આવ્યા હતા. આ સુવિધા ઉપલબ્ધ થવાથી અત્યાર સુધી સિંચાઈના પાણી માટે મુશ્કેલીનો સામનો કરતા ખેડૂતોને પોતાના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં સરળતા રહેશે.અત્યાર સુધી પાણીના કાયમી સ્ત્રોતના અભાવે અનેક ખેડૂતો ચોમાસુ પૂરું થતાં જ ખેતીની મર્યાદાઓનો સામનો કરતા હતા. પરંતુ હવે બોરમોટરની સુવિધા શરૂ થતાં શિયાળુ અને ઉનાળુ પાકનું વાવેતર પણ શક્ય બનશે. ખાસ કરીને શાકભાજી અને રોકડિયા પાકના ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્ત્વનું છે કે, આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોના ખેડૂતો માટે સિંચાઈની સુવિધા માત્ર ખેતીનું સાધન નથી, પરંતુ આર્થિક આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું માધ્યમ પણ છે. 198 પરિવારોને મળેલી આ સુવિધા યોગ્ય રીતે અમલી બને અને બોરમોટર વહેલી તકે કાર્યરત થાય તો નેત્રંગના દુર્ગમ વિસ્તારોમાં ખેતીની તસવીર બદલાઈ શકે છે. હવે ખેડૂતોને માત્ર વરસાદના ભરોસે નહીં, પરંતુ પોતાની મહેનત અને સિંચાઈની સુવિધાના સહારે બારેમાસ ખેતરો લીલાછમ કરવાની આશા બંધાઈ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!