Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર: ગડખોલમાં બુલેટની પાછળથી ટક્કર બની જીવલેણ, કરિયાણાની દુકાને જતાં 50 વર્ષીય મધુબેનનું સારવાર દરમિયાન મોત, બે સવારો સામે તપાસ

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે બેફામ બુલેટની ટક્કરે વધુ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ઘરેથી કરિયાણાની દુકાને સામાન લેવા નીકળેલાં 50 વર્ષીય મધુબેન વસાવાને પાછળથી આવેલી બુલેટે જોરદાર ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં મધુબેનનું વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.મળતી માહિતી મુજબ, ગડખોલ ગામે કૈલાશ ટેકરી મહાદેવ મંદિર સામે ગત 22 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે આશરે સાત વાગ્યાના અરસામાં મધુબેન ઇશ્વરભાઈ વસાવા (ઉં.વ. 50) ઘરેથી સામે આવેલી કરિયાણાની દુકાને સામાન લેવા માટે રસ્તાની બાજુએ ચાલતાં જઈ રહ્યાં હતાં. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી GJ-16-ED-1511 નંબરની બુલેટે તેમને અડફેટે લેતાં તેઓ રસ્તા પર પટકાયાં હતાં અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્મત બાદ ઇજાગ્રસ્ત મધુબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, તેમની તબિયતમાં સુધારો ન થતાં વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. જ્યાં મેડિસિન વિભાગના MICUમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. આ મામલે મૃતકના પુત્ર રાહુલ ઇશ્વર વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અકસ્માત સમયે બુલેટ પર બે વ્યક્તિઓ સવાર હતાં. જોકે, બુલેટચાલક કોણ હતો અને તેનું સરનામું શું છે તે જાણી શકાયું નથી. પોલીસે ફરિયાદના આધારે બુલેટચાલકની ઓળખ મેળવવા અને સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. રસ્તાની બાજુએ સામાન્ય રીતે ચાલતાં જઈ રહેલાં મધુબેન માટે આ અકસ્માત અંતિમ સાબિત થયો છે. એક તરફ પરિવારની વ્યક્તિને ગુમાવવાનું દુઃખ છે, તો બીજી તરફ અકસ્માત બાદ બુલેટચાલકની ઓળખ અંગેનો સવાલ પણ ઊભો થયો છે. હવે પોલીસ તપાસમાં અકસ્માતની સંપૂર્ણ હકીકત બહાર આવે છે કે કેમ તે જોવું રહ્યું.

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!