ભરૂચ અને નર્મદા જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે રાહત અને આશાનું નવું કિરણ લઈને ધારીખેડા સ્થિત નર્મદા સુગર ફેક્ટરીમાં નવી શેરડી પિલાણ સિઝનનો પ્રારંભ થયો છે. ફેક્ટરીના પિલાણના ચક્રો ફરતા થતાં જ શેરડીના પાક પર નિર્ભર હજારો ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવા પિલાણ સત્રની શરૂઆત સાથે જ ખેડૂતોની ખેતરોમાં તૈયાર થયેલી શેરડી ફેક્ટરી સુધી પહોંચાડવાની કામગીરીને વેગ મળશે. શેરડીની કાપણી, પરિવહન અને પિલાણની પ્રક્રિયા શરૂ થતાં ખેડૂતોની સાથે સંકળાયેલા ખેતમજૂરો, વાહનચાલકો અને અન્ય રોજગાર આધારિત વર્ગો માટે પણ આ સિઝન આર્થિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સાબિત થવાની આશા છે.
આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે નવી પિલાણ સિઝનના પ્રારંભ અંગે માહિતી આપી હતી. ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે નર્મદા સુગર માત્ર શેરડી પિલાણ કરતું કેન્દ્ર નથી, પરંતુ ખેતી સાથે જોડાયેલી આર્થિક વ્યવસ્થાનો એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ પણ છે. હવે નવી સિઝનમાં પિલાણ કામગીરી સુચારુ અને સફળતાપૂર્વક આગળ વધે તથા ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય લાભ મળે તેવી આશા સાથે શેરડીના નવા સત્રનો પ્રારંભ થયો છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com