ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે નિર્માણ પામી રહેલા મહત્વાકાંક્ષી ‘બલ્ક ડ્રગ પાર્ક’ પ્રોજેક્ટને વેગ આપવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મોટા પાયે મૂડીરોકાણ આકર્ષવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા જંબુસર બલ્ક ડ્રગ પાર્ક માટે વિશેષ પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા મારફતે આ યોજનાની વિગતો જાહેર કરતાં જંબુસર સહિત સમગ્ર ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં નવી આશાઓ જાગી છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલી આ વિશેષ યોજનામાં બલ્ક ડ્રગ પાર્કમાં સ્થાપિત થનારા પાત્ર ઔદ્યોગિક એકમોને આકર્ષક આર્થિક લાભો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. યોજના હેઠળ પાર્કમાં રોકાણ કરીને ઉત્પાદન એકમો સ્થાપનારા ઉદ્યોગકારોને તેમના કુલ મૂડીરોકાણ પર 10 ટકા સબસિડીનો લાભ મળશે. આ ઉપરાંત ઉત્પાદન એકમોને વીજળી અને પાણી જેવા જરૂરી યુટિલિટી ખર્ચમાં પણ 10 વર્ષ સુધી રિઇમ્બર્સમેન્ટ આપવામાં આવશે. જેના કારણે નવા ઉદ્યોગો સ્થાપવા ઇચ્છતા રોકાણકારો માટે આ યોજના આર્થિક રીતે પ્રોત્સાહક સાબિત થઈ શકે છે.
આટલું જ નહીં, બલ્ક ડ્રગ પાર્કમાં જમીન ખરીદી અને તેની નોંધણી માટે ચૂકવવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી તથા રજિસ્ટ્રેશન ફીમાં પણ 100 ટકા રિઇમ્બર્સમેન્ટની જોગવાઈ કરવામાં આવી છે. સરકારની આ પહેલથી ઉદ્યોગકારો પરનો પ્રારંભિક નાણાકીય બોજ ઘટશે અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ જંબુસર તરફ આકર્ષાય તેવી શક્યતાઓ વધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર બલ્ક ડ્રગ પાર્ક ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટને ગતિ મળવાથી ફાર્માસ્યુટિકલ અને કેમિકલ ક્ષેત્રે નવા ઉદ્યોગો સ્થાપિત થવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થવાની આશા છે. સાથે જ નાના-મોટા વ્યવસાયો, પરિવહન, લોજિસ્ટિક્સ અને અન્ય આનુષંગિક ક્ષેત્રોને પણ તેનો લાભ મળી શકે છે. ગુજરાત સરકારની આ વિશેષ પ્રોત્સાહક યોજના જંબુસરને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં મોટું પગલું સાબિત થઈ શકે છે. હવે આકર્ષક પ્રોત્સાહનોના પગલે કેટલું મૂડીરોકાણ આવે છે અને પ્રોજેક્ટને જમીની સ્તરે કેટલી ઝડપ મળે છે તેના પર સમગ્ર ભરૂચ જિલ્લાના ઉદ્યોગજગતની નજર રહેશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com