Skip to main content

Geo Gujarat News

આમોદ: ગૌચર જમીન કોન્ટ્રાક્ટરના બાપની મિલકત છે? રોઝાટંકારીયામાં પંચાયતની મંજૂરી વિના ડામર પ્લાન્ટ ખડકાતા ભારે હોબાળો!

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોઝાટંકારીયા ગામે વિકાસના નામે સરકારી ગૌચરની જમીનનો મનસ્વી ઉપયોગ કરવાનો ગંભીર મામલો સામે આવતાં ભારે વિવાદ સર્જાયો છે. દહેજ-આમોદ માર્ગના કામ માટે આવેલા કોન્ટ્રાક્ટરે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી કે એનઓસી લીધા વિના ગામ નજીક વોટરવર્ક્સની પાણીની ટાંકી પાસે આવેલી ગૌચરની જમીન પર ડામર પ્લાન્ટ ઊભો કરી દીધો હોવાના આક્ષેપો થયા છે. સવાલ એ છે કે ગૌચર જેવી જાહેર અને પશુઓ માટે અનામત જમીન કોઈ કોન્ટ્રાક્ટરની અંગત મિલકત છે કે પછી વિકાસકામના નામે સરકારી જમીન પર મનફાવે તેમ કબજો જમાવવાની છૂટ મળી ગઈ છે? આ મનસ્વી કામગીરી સામે સરપંચ, પંચાયતના સભ્યો, ખેડૂતો અને ગ્રામજનો એકજૂથ થઈ સ્થળ પર પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવી કામગીરી અટકાવવાની ફરજ પાડી હતી.એટલું જ નહીં, ગ્રામ પંચાયતે કોન્ટ્રાક્ટરને કામ બંધ કરવા સત્તાવાર નોટિસ પણ ફટકારી છે. આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ડામર પ્લાન્ટમાંથી નીકળતી ધૂળ, માટી અને ધુમાડાથી આસપાસનાં ખેતરોમાં ઊભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સ્થાનિક ખેડૂત ઉસ્માન પટેલના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર અને તેના સુપરવાઈઝરો માર્ગ અને મકાન વિભાગની જમીન હોવાનો દાવો કરીને છેલ્લા બે વર્ષથી ગૌચરની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. બીજી તરફ, પ્લાન્ટની કામગીરી અને ભારે વાહનોની સતત અવરજવરને કારણે નજીકમાં આવેલી પીવાના પાણીની સરકારી ઓવરહેડ ટાંકીમાં પણ વાઇબ્રેશન થતું હોવાની ફરિયાદ ઉઠી છે. જો આ આક્ષેપોમાં તથ્ય હોય તો ભવિષ્યમાં પાણીની ટાંકીના માળખાને નુકસાન થવાની શક્યતાને અવગણી શકાય નહીં. સવાલ એ છે કે ખેડૂતોના પાકને નુકસાન થાય, ગૌચરની જમીનનો ઉપયોગ થાય અને પીવાના પાણીની ટાંકીની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થાય, તો તેની જવાબદારી આખરે કોની?એક તરફ સરકાર ગૌચરની જમીનો દબાણમુક્ત કરાવવાની વાતો કરે છે, તો બીજી તરફ ગામની ગૌચરની જમીન પર ડામર પ્લાન્ટ ધમધમતો હોવાના આક્ષેપો તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે. શું કોન્ટ્રાક્ટરને સરકારી જમીનનો ઉપયોગ કરવા માટે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે? જો મંજૂરી આપવામાં આવી હોય તો કયા વિભાગે અને કયા જમીન રેકોર્ડના આધારે આપી છે? અને જો મંજૂરી જ નથી તો બે વર્ષથી આ કામગીરી સામે જવાબદાર અધિકારીઓએ આંખ આડા કાન કેમ કર્યા? માત્ર વિકાસકામ ચાલી રહ્યું છે એટલા માટે કાયદા અને ગ્રામ પંચાયતના અધિકારોને નેવે મૂકી શકાય નહીં. આ મામલે રોઝાટંકારીયા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ પંડવી અને પંચાયત પરિવાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી, આમોદ મામલતદાર, ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પંચાયત દ્વારા ગૌચરની જમીનના રેકોર્ડની તપાસ, ડામર પ્લાન્ટની મંજૂરી, પર્યાવરણીય અસરો અને ખેડૂતોને થયેલા નુકસાનની તપાસ કરવાની માગ કરવામાં આવી છે. ગ્રામજનોએ તંત્રને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપતાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થળ તપાસ કરીને ગેરકાયદે પ્લાન્ટ દૂર કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.હવે સૌથી મોટો સવાલ એ છે કે વહીવટી તંત્ર માત્ર કાગળ પરની રજૂઆતો સ્વીકારીને સંતોષ માનશે કે પછી સ્થળ પર ઉતરીને ગૌચરની જમીનનો વાસ્તવિક હિસાબ લેશે? માર્ગ બનાવવાના નામે ગામની જાહેર જમીન, ખેડૂતોનો ઊભો પાક અને પીવાના પાણીની ટાંકીની સુરક્ષાને જોખમમાં મૂકવાના આક્ષેપો અત્યંત ગંભીર છે. વિકાસના નામે મનમાની ચલાવવાની છૂટ કોઈને મળી શકે નહીં. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરે છે કે પછી રોઝાટંકારીયાના ગ્રામજનોને પોતાના હક માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડે છે!

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!