Skip to main content

Geo Gujarat News

ભરૂચ: નગરપાલિકાની સામાન્ય સભામાં 24 એજન્ડાને લીલી ઝંડી, પણ શહેરના પ્રશ્નો પર વિપક્ષે શાસકોને ઘેર્યા, કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી સભામાં ગરમાવો!

ભરૂચ નગરપાલિકાની દિવાળી પૂર્વે યોજાયેલી સામાન્ય સભામાં વિકાસના 24 એજન્ડાને સર્વાનુમતે મંજૂરી મળી હોવા છતાં બેઠકની શરૂઆતથી જ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને પાલિકાના સભાખંડમાં મળેલી આ બેઠકમાં રાષ્ટ્રગીત, અગાઉની સભાની મિનિટ્સ અને ત્રિમાસિક હિસાબ જેવા મુદ્દાઓને લઈને સભ્યો સામસામે આવી ગયા હતા. વહીવટી પ્રક્રિયાના મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલીએ સભાના પ્રારંભમાં જ રાજકીય ગરમાવો ઊભો કર્યો હતો. બેઠક દરમિયાન પૂર્વ વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો કરી સત્તાધારી પક્ષને ભીંસમાં લીધો હતો. તેમણે 14મા નાણાપંચની ગ્રાન્ટના ઉપયોગ અને અગાઉની ટર્મમાં રચાયેલી તપાસ સમિતિની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તપાસ સમિતિ રચાઈ હોવા છતાં તેની કામગીરી અને પરિણામ અંગે શું કાર્યવાહી થઈ તેવા પ્રશ્નો રજૂ કરી વહીવટી જવાબદારી નક્કી કરવાની માગણી કરી હતી.શહેરમાં પીળી પડી ગયેલી અને પૂરતી રોશની ન આપતી સ્ટ્રીટ લાઇટનો મુદ્દો પણ વિપક્ષે ઉઠાવ્યો હતો. દિવાળીના તહેવારો નજીક હોવા છતાં શહેરની જાહેર સુવિધાઓની સ્થિતિ સામે સવાલો ઊભા કરી શાસક પક્ષને જવાબ આપવા મજબૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક તરફ વિકાસના એજન્ડાને મંજૂરી આપવામાં આવી રહી હતી, તો બીજી તરફ શહેરના પાયાના પ્રશ્નો અને અગાઉની કામગીરી સામે ઉઠેલા સવાલોએ પાલિકાના વહીવટની વાસ્તવિક સ્થિતિ ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી હતી. નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં રજૂ કરાયેલા તમામ 24 એજન્ડાને બહુમતીના સમર્થનથી મંજૂરી આપવામાં આવી છે. દિવાળી પહેલાં શહેરમાં રોડ પેચવર્ક, સ્ટ્રીટ લાઇટ સહિતનાં જનહિતનાં કામો હાથ ધરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. સાથે જ વિપક્ષ દ્વારા કલમ 256 હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી અંગે ઠપકો મળ્યો હોવાનો દાવો કરી તેમણે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપ્યો હતો.જોકે, સામાન્ય સભામાં 24 એજન્ડાને મંજૂરી મળી જવી એ જ શહેરના વિકાસની ગેરંટી બની શકે નહીં. ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, તપાસ સમિતિની કામગીરી અને શહેરની સ્ટ્રીટ લાઇટ જેવા પ્રશ્નોનો નક્કર ઉકેલ આવે તે જ નાગરિકો માટે મહત્ત્વનું છે. દિવાળી પહેલાં વિકાસનાં વચનો અપાયાં છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વચનો ખરેખર જમીન પર ઉતરે છે કે પછી સામાન્ય સભાની કાર્યવાહી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો પૂરતી જ મર્યાદિત રહી જાય છે. ઉગ્ર બોલાચાલી અને રાજકીય આક્ષેપો વચ્ચે અંતે સભા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!