Skip to main content

Geo Gujarat News

ભરૂચ: દિવાળીના તહેવારોમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર LCBનો સપાટો, 966 બોટલ અને બીયરના ટીન સાથે 6.01 લાખનો મુદ્દામાલ જપ્ત..

દિવાળીના તહેવારોમાં દારૂની ગેરકાયદે હેરાફેરી કરી તહેવારોના માહોલમાં નશાનો વેપાર ચલાવવાના પ્રયાસો સામે ભરૂચ જિલ્લા પોલીસની એલસીબી ટીમે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એલસીબીની ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાર્સિંગની સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી. કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની 966 બોટલો અને બીયરના ટીન મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.6,01,086નો મુદ્દામાલ કબજે કરી ગેરકાયદે દારૂના નેટવર્ક પર કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી પીઆઈ એમ.પી. વાળા અને પીએસઆઈ એ.વી. શિયાળિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ સ્વિફ્ટ કારને અટકાવી તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગોવિંદ બિશ્નોઈને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દારૂનો જથ્થો ચીખલી નજીકથી મેળવી વડોદરા ખાતે આર્થિક લાભ મેળવવા વેચાણ અર્થે લઈ જવાનો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.આ કાર્યવાહી દરમિયાન કારમાં સવાર વિઠ્ઠલ બિશ્નોઈ નામનો અન્ય આરોપી પોલીસને થાપ આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. એક આરોપી પોલીસના હાથે ઝડપાયો છે, જ્યારે બીજો આરોપી ફરાર થતાં પોલીસની તપાસ હવે તેના સુધી પહોંચવા પર કેન્દ્રિત થઈ છે. પોલીસે ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. આ મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદે દારૂના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે, સૌથી મોટો સવાલ એ છે કે ચીખલી નજીકથી દારૂનો જથ્થો કોણે પૂરો પાડ્યો હતો અને આ હેરાફેરી પાછળ અન્ય કેટલા લોકો સંકળાયેલા છે? હવે પોલીસની તપાસમાં દારૂના સપ્લાય નેટવર્કનાં કેટલાં તાર ખુલશે તે જોવું રહ્યું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!