અંકલેશ્વર પંથકમાં વ્યાજે નાણાં આપવાના વ્યવહારમાં સોનું અને મિલકત પડાવી લેવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ધંતુરીયા ગામના પંકજભાઈ પરભુભાઈ આહીરે વર્ષ 2018માં રૂ.5 લાખ અને વર્ષ 2019માં રૂ.3 લાખ મળી કુલ રૂ.8 લાખ વ્યાજે લીધા હતા. આ નાણાકીય વ્યવહારને પગલે આરોપી મહેશભાઈ મારફતિયાએ સિક્યુરિટી પેટે સાજોદ સ્થિત રામ રેસિડેન્સીના પ્લોટ નંબર BB-18નો અસલ દસ્તાવેજ તેમજ આશરે 41 તોલા સોનાનાં ઘરેણાં ગીરો રાખ્યાં હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આંધ્રા બેંકમાંથી ફરિયાદીના આશરે 24 તોલા સોનાનાં ઘરેણાં છોડાવી પોતાની પાસે રાખી લીધાં હોવાનો પણ આક્ષેપ છે. આમ, ફરિયાદ મુજબ આશરે 65 તોલા સોનું આરોપી પાસે હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નાણાકીય વ્યવહાર પેટે વ્યાજ સહિત આશરે રૂ.10 લાખ ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં આરોપીએ સોનાનાં ઘરેણાં પરત આપ્યાં નહોતાં. એટલું જ નહીં, પ્લોટનો રૂ.10 લાખનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધા બાદ તેની વેચાણ રકમ પણ ચૂકવવામાં આવી ન હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મૂળ નાણાં અને વ્યાજ ચૂકવ્યા હોવા છતાં સોનું તથા મિલકત પરત ન મળતાં ફરિયાદી વધુ મુશ્કેલીમાં મુકાયા હતા. આર્થિક વ્યવહારના નામે સોના અને મિલકત પર કબજો જમાવ્યાનો આક્ષેપ સમગ્ર પ્રકરણને વધુ ગંભીર બનાવે છે.
આક્ષેપ મુજબ, પ્લોટના દસ્તાવેજ પોતાના નામે કરાવ્યા બાદ પણ ફરિયાદી પાસે વધુ નાણાંની માંગણી કરવામાં આવતી હતી. સતત ચાલતી આ હેરાનગતિથી કંટાળીને પંકજભાઈ આહીરે આખરે પોલીસનો દરવાજો ખખડાવ્યો હતો અને સમગ્ર નાણાકીય વ્યવહાર, સોનાનાં ઘરેણાં તથા પ્લોટના દસ્તાવેજ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી મહેશભાઈ મારફતિયાની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા સોનાનાં ઘરેણાં, પ્લોટના દસ્તાવેજો અને બંને પક્ષો વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં હવે સૌથી મહત્ત્વના સવાલો એ છે કે આશરે 65 તોલા સોનાનાં ઘરેણાં ક્યાં છે? પ્લોટના દસ્તાવેજ કયા સંજોગોમાં પોતાના નામે કરાવવામાં આવ્યા હતા? અને રૂ.10 લાખ ચૂકવાયા હોવા છતાં વધુ નાણાંની માંગણી કેમ કરવામાં આવી હતી? પોલીસ તપાસમાં આ તમામ હકીકતો બહાર આવે અને ફરિયાદીને સોનું તથા મિલકત અંગે ન્યાય મળે તે હવે મહત્ત્વનું બન્યું છે. નોંધનીય છે કે આ તમામ બાબતો હાલ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો છે, જેની સત્યતા પોલીસ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ સ્પષ્ટ થશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com