Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વરની યશ્વીની સોનીએ અભિનય ક્ષેત્રે ભર્યું પ્રથમ ડગલું: પ્રથમ આલ્બમ સોંગ તારા વગરની કેવી દિવાળી લોન્ચ, યાનુ સોનીના અભિનયને મળી રહી છે પ્રશંસા..

મોડેલિંગની દુનિયામાં પોતાની ઓળખ ઊભી કરવાની દિશામાં આગળ વધી રહેલી અંકલેશ્વરની યુવતી યશ્વીની સોની ઉર્ફે યાનુ સોનીએ હવે અભિનય ક્ષેત્રે પણ પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરી છે. દિવાળીના પર્વ પહેલાં 29 ઓક્ટોબર, 2026ના રોજ તેનું પ્રથમ આલ્બમ સોંગ ‘તારા વગરની કેવી દિવાળી’ યુટ્યુબ સહિત વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રથમ જ પ્રયાસમાં આલ્બમ સોંગમાં પોતાના અભિનયથી યાનુ સોનીએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે અને ગીતને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તારા વગરની કેવી દિવાળી ગીતમાં યાનુ સોની સાથે આકાશ ઠાકોર અને ક્રિશ મણકા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ગીતની રજૂઆત બાદ કલાકારોના અભિનયની સાથે સમગ્ર ટીમના કામની પણ પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને મોડેલિંગ બાદ અભિનય ક્ષેત્રે પ્રવેશ કરી રહેલી યાનુ સોની માટે આ પ્રથમ આલ્બમ સોંગ એક યાદગાર અને મહત્વપૂર્ણ શરૂઆત બની રહ્યું છે. ગીતમાં આકાશ ઠાકોરે અભિનય કરવાની સાથે પોતાના અવાજનો જાદુ પણ પાથર્યો છે.આ આલ્બમ સોંગનું દિગ્દર્શન, સિનેમેટોગ્રાફી અને એડિટિંગ રોહિત આહીરે સંભાળ્યું છે. ગીતના શબ્દો દર્શન રાવલે લખ્યા છે, જ્યારે સંગીત હાર્દિક રાઠોડે આપ્યું છે. પોસ્ટર ડિઝાઇન રાજ ચોરલિયાએ તૈયાર કર્યું છે. આકાશ ઠાકોર ઓફિશિયલના બેનર હેઠળ રજૂ થયેલા આ ગીતના નિર્માતા મહેશજી ઠાકોર છે. સમગ્ર ટીમના સંકલિત પ્રયાસોથી ગીતને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. પોતાના પ્રથમ આલ્બમ સોંગના અનુભવ અંગે યાનુ સોનીએ જણાવ્યું હતું કે, અંકલેશ્વરના ગાયક આલાપ કાપડિયાની મદદથી મોડેલિંગની સફર બાદ તેને આલ્બમ સોંગમાં અભિનય કરવાની તક મળી હતી. શૂટિંગ દરમિયાન તેને ઘણો આનંદ આવ્યો હતો. સહકલાકારોનો અનુભવ, તેમનો સરળ સ્વભાવ અને દિગ્દર્શક રોહિત આહીરનું માર્ગદર્શન મળતાં શૂટિંગનો સમગ્ર અનુભવ યાદગાર બની રહ્યો હતો. ગીતનાં વિવિધ સ્થળોએ અલગ-અલગ દૃશ્યોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી તેને અભિનયની નવી બાબતો શીખવા મળી હતી.યાનુ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે, આ તેની અભિનય ક્ષેત્રે પ્રથમ શરૂઆત છે અને ભવિષ્યમાં આવી વધુ તકો મળશે તો તે અભિનય ક્ષેત્રે આગળ વધવા માગે છે. પોતાની મહેનત અને પ્રતિભાના જોરે મનોરંજન જગતમાં આગવી ઓળખ ઊભી કરી અંકલેશ્વરનું નામ રોશન કરવાની તેની ઇચ્છા છે. આ નવી સફરમાં લોકોના આશીર્વાદ, પ્રેમ અને સહયોગ મળતા રહે તેવી આશા પણ તેણે વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, નાના શહેરોમાંથી પણ પ્રતિભાશાળી યુવાનો મનોરંજન જગતમાં પોતાની ઓળખ સ્થાપિત કરવા આગળ આવી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરની યશ્વીની સોનીએ મોડેલિંગ બાદ અભિનય ક્ષેત્રે ભરેલું આ પ્રથમ પગલું તેની કારકિર્દી માટે નવી દિશા ખોલી શકે છે. પ્રથમ આલ્બમ સોંગથી શરૂ થયેલી આ સફર ભવિષ્યમાં તેને નવી તકો અને સફળતાના શિખરો સુધી પહોંચાડે તેવી શુભેચ્છાઓ તેના ચાહકો અને સ્થાનિક લોકો દ્વારા પાઠવવામાં આવી રહી છે.

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!