પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવની અસર હવે દરિયાઈ માર્ગો પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. હોર્મુઝની ખાડીમાં ઈરાને ઓઈલ ટેન્કરોને નિશાન બનાવવાનું શરૂ કરતાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિવહન સામે જોખમ ઊભું થયું છે. શુક્રવારે પનામાના ધ્વજવાળા ઓઈલ ટેન્કર એમટી લુઈસ-1 પર ડ્રોન બોટ મારફતે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાને પગલે જહાજના એન્જિન રૂમમાં આગ ફાટી નીકળી હતી. જોકે, જહાજમાં સવાર તમામ 27 ભારતીય નાવિકો સુરક્ષિત બચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના પહેલાં ગુરુવારે પણ લાઈબેરિયાના ધ્વજવાળા વિશાળ ક્રૂડ ઓઈલ કેરિયર એમટી અરઝાનાહને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ જહાજમાં બે ભારતીય નાવિકો ફરજ પર હતા. આમ, માત્ર બે દિવસમાં બે અલગ-અલગ ઓઈલ ટેન્કરો પર થયેલા હુમલામાં કુલ 29 ભારતીય ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ હતી. સદનસીબે બંને જહાજોમાં સવાર તમામ ભારતીય નાવિકોનો આબાદ બચાવ થયો છે.
મળતી વિગતો મુજબ, ઓમાનના દરિયાકાંઠા નજીકથી પસાર થઈ રહેલા એમટી લુઈસ-1 પર નાની બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બોટમાં બે સમુદ્રી સુરંગોનો ઉપયોગ કરીને ટેન્કરને નિશાન બનાવાયું હતું. હુમલાની અસર સીધી જહાજના એન્જિન રૂમમાં થતાં આગ લાગી હતી અને થોડા સમય માટે ટેન્કરની કામગીરી ખોરવાઈ ગઈ હતી. જોકે, જહાજના ક્રૂ મેમ્બર્સે સમયસૂચકતા દાખવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ જરૂરી વ્યવસ્થા કરવામાં આવતાં ટેન્કરે ફરી પોતાની દરિયાઈ સફર શરૂ કરી હતી.
કેન્દ્રીય બંદરો, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ ઘટનાઓ અંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંબંધિત જહાજ સંચાલન અને મેનેજમેન્ટ કંપનીઓ સાથે સતત સંપર્ક અને સંકલન કરવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રૂ મેમ્બર્સની સલામતી સરકારની પ્રાથમિકતા હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું. બીજી તરફ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યવર્તી ચૂંટણી બાદ ફરી ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે આ હુમલાઓએ વિસ્તારની પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી છે. ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ઓઈલ ટેન્કર પર આ પ્રકારની ડ્રોન બોટ અને સમુદ્રી સુરંગોનો ઉપયોગ કરીને હુમલો થયાની આ પ્રથમ ઘટના હોવાનું સામે આવ્યું છે. હોર્મુઝની ખાડી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંથી એક છે. અહીં ઓઈલ ટેન્કરોને નિશાન બનાવવાની ઘટનાઓ માત્ર બે દેશો વચ્ચેના સંઘર્ષ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક ઊર્જા પુરવઠા અને દરિયાઈ વેપાર માટે પણ ગંભીર ચિંતાનો વિષય બની રહી છે. હવે આ દરિયાઈ હુમલાઓ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય તેલ પરિવહન વ્યવસ્થા સામે ઊભા થયેલા જોખમ પર વિશ્વની નજર મંડાઈ છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com