દેશમાં આગામી વસ્તી ગણતરી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન દેશના મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ગણતરી માટે 1 માર્ચ 2027ની મધરાતે 12 વાગ્યાને સંદર્ભ સમય તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે. વસ્તી ગણતરી કમિશનર મૃત્યુજય કુમાર નારાયણ દ્વારા જાહેર કરાયેલી સૂચના પ્રમાણે, હિમવર્ષાથી અસરગ્રસ્ત વિસ્તારો અને કેટલાક રાજ્યોમાં હાલ પૂરતી આ કામગીરી હાથ ધરવામાં આવશે નહીં. મણિપુરમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી, જ્યારે ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના હિમવર્ષા પ્રભાવિત વિસ્તારોમાં વસ્તી ગણતરીની તારીખો અલગથી જાહેર કરવામાં આવશે.
જનગણનાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં નાગરિકોને પોતાની વિગતો ઓનલાઈન નોંધાવવાની તક પણ આપવામાં આવશે. આ માટે 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2027 સુધી સ્વ-ગણતરી માટેનું પોર્ટલ ખુલ્લું રહેશે. ત્યારબાદ એકત્રિત કરવામાં આવેલા આંકડાઓની અંતિમ ચકાસણી અને જરૂરી સુધારા માટે 1 માર્ચથી 5 માર્ચ 2027 દરમિયાન રિવિઝન રાઉન્ડ યોજાશે. આગામી વસ્તી ગણતરી દેશની વસ્તી સંબંધિત મહત્વપૂર્ણ આંકડાકીય માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા બની રહેશે. તેના આધારે સરકારને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, જાહેર સુવિધાઓ અને નીતિ નિર્ધારણ માટે જરૂરી માહિતી ઉપલબ્ધ થશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com