જંબુસર સ્થિત ઝેન સ્કૂલમાં 30 ઓક્ટોબરના રોજ નવરાત્રી અને દિવાળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ કાર્યક્રમમાં જોડાયા હતા અને ભારતીય સંસ્કૃતિની સુંદર છટા રજૂ કરી હતી. શાળામાં યોજાયેલી આ ઉજવણી માત્ર તહેવારોની મોજમસ્તી પૂરતી મર્યાદિત ન રહેતાં વિદ્યાર્થીઓને દેશની સાંસ્કૃતિક વિરાસત, પરંપરાઓ ને જીવનમૂલ્યો સાથે પરિચિત કરવાના હેતુથી યોજાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન એકતા, ભાઈચારો, સદભાવના અને સકારાત્મકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક ગણાતા દિવાળીના પર્વનો મહિમા સમજાવી જીવનમાં સત્ય અને સદાચારના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ચેરમેન કિરણજી વૈદ્ય, મેનેજિંગ ટ્રસ્ટી ધ્રુવજી વૈદ્ય, મેનેજમેન્ટના સભ્યો વશિષ્ઠ વૈદ્ય અને મેઘ વૈદ્ય તેમજ ઝેન ગ્રુપ ઓફ સ્કૂલનાં ડિરેક્ટર ડો. અનુભા નેગીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શાળાનાં પ્રિન્સિપાલ નીલમ પંડિતના સહયોગ અને માર્ગદર્શનથી કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. ઉજવણીના અંતે શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર શિક્ષકો, સ્ટાફ, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ, પરંપરાઓ પ્રત્યે આદર અને સામાજિક એકતાની ભાવના વિકસે તેવો શાળાનો પ્રયાસ રહ્યો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com