Skip to main content

Geo Gujarat News

ભરૂચ: સરદાર પટેલની જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતાનો રંગ છવાયો, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ એકતા રેલીને લીલી ઝંડી આપી, અધિકારીઓ અને નગરજનો જોડાયા..

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી તથા લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31મી ઓક્ટોબરના રોજ ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત એકતા રેલીમાં રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો. ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ લીલી ઝંડી બતાવી એકતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ રેલી વિવિધ માર્ગો પરથી પસાર થઈ આત્મીય હોલ ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન દેશની એકતા, અખંડિતતા, રાષ્ટ્રીય ગૌરવ અને સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રેલીમાં મંત્રી પ્રફુલ પાનસેરિયા સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.આત્મીય હોલ ખાતે રેલીના સમાપન બાદ સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ એકતાનગર (કેવડિયા) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક યોજાયેલી રાષ્ટ્રીય એકતા પરેડનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. દેશની સુરક્ષા અને અખંડિતતા માટે સમર્પિત સુરક્ષા દળોના જવાનોની શિસ્તબદ્ધ પરેડે ઉપસ્થિતોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સરદાર વલ્લભભાઈ પટેલના ઐતિહાસિક યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશનાં 562 રજવાડાંઓને એકતાના તાંતણે બાંધી અખંડ ભારતના નિર્માણમાં અદ્વિતીય ભૂમિકા ભજવી હતી. તેમની દૃઢ ઇચ્છાશક્તિ, કુનેહભરી નેતાગીરી અને રાષ્ટ્રપ્રેમના પરિણામે ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે એકસૂત્રમાં બાંધવાનું ઐતિહાસિક કાર્ય શક્ય બન્યું હતું. આજે સમગ્ર દેશ તેમની જન્મજયંતિ નિમિત્તે તેમના રાષ્ટ્રનિર્માણના યોગદાનને યાદ કરી રહ્યો છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સુરક્ષા દળોની ભવ્ય પરેડ યોજાવું એ સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી આગળ વધી રહ્યો છે. સરદાર પટેલે અખંડ ભારત માટે જે સ્વપ્ન જોયું હતું, તેને સાકાર કરવાની દિશામાં દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણા તથા દૂધધારા ડેરીના સાગર પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.આમ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં યોજાયેલી એકતા રેલી અને વિવિધ કાર્યક્રમો માત્ર ઉજવણી પૂરતા સીમિત ન રહેતાં રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સામૂહિક સૌહાર્દ અને દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો પ્રેરણાદાયી અવસર બન્યા હતા.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!