જંબુસરની પ્રખ્યાત નવયુગ વિદ્યાલયમાં ૩૦ વર્ષ સુધી સતત અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવીને વ્યાયામ શિક્ષક શ્રી અમરસંઘ વસાવા વય નિવૃત્ત થતા શાળા પરિવાર દ્વારા એક અદ્ભુત અને યાદગાર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળા મંડળના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પઢીયાર તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા નિવૃત્ત શિક્ષકને શ્રીફળ, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને ભવ્ય સન્માન આપવામાં આવ્યું હતું. જ્યારે ઢોલ-નગારાના તાલે વિદ્યાર્થીઓએ પોતાના પ્રિય શિક્ષક પર પુષ્પવર્ષા કરી ત્યારે આખો માહોલ અત્યંત ભાવવિભોર અને અદભુત બની ગયો હતો.
એક શિક્ષક જ્યારે ત્રણ દાયકા સુધી પોતાના વિદ્યાર્થીઓના ઘડતર માટે જીવન સમર્પિત કરી દે છે ત્યારે તેમની વિદાય ક્ષણો કેવી ભાવુક હોય છે તેની પ્રતીતિ આ અવસરે થઈ હતી. શાળા પરિવાર તરફથી શિક્ષકને ભેટ-સોગાદો અર્પણ કરવામાં આવી હતી અને કુદરતી વાતાવરણ વચ્ચે પ્રકૃતિના ખોળામાં ખાસ ‘વન ભોજન’નું આયોજન કરીને સૌએ સાથે ભોજન લીધું હતું. અંતમાં, નિવૃત્ત થતા શ્રી અમરસંઘ વસાવાએ પોતાના ૩૦ વર્ષના લાંબા અને સુંદર શૈક્ષણિક પ્રવાસના અનુભવો વાગોળતા ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, જે નવયુગ વિદ્યાલયના ઇતિહાસમાં એક સોનેરી સંભારણું બની રહ્યો છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com