Skip to main content

Geo Gujarat News

ભરૂચના ભોલાવ GIDC ફેઝ-1માં દીપડાની એન્ટ્રીથી ફફડાટ! મધરાતે દેખાયેલા દીપડાની હિલચાલ CCTVમાં કેદ, વન વિભાગ દોડતું થયું..

CCTV ફૂટેજે દીપડાની હાજરીનો પર્દાફાશ કર્યો:ભરૂચના ભોલાવ GIDC ફેઝ-1 વિસ્તારમાં દીપડાની હાજરી સામે આવતાં ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાયો છે. રાત્રીના સમયે ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની માહિતી મળતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ખાસ કરીને ફેક્ટરીઓમાં કામ કરતા કર્મચારીઓ અને આસપાસના લોકોની સુરક્ષાને લઈને ચિંતાના વાદળો ઘેરાયાં છે. મળતી માહિતી મુજબ, ગત રાત્રે 12:12 કલાકે ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહને વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની જાણ થતાં તેમણે તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેનભાઈ શાહનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. મધરાતે મળેલા આ ઈમરજન્સી કોલને ગંભીરતાથી લઈને હિરેનભાઈ શાહ, વ્રજ શાહ, રિતેશ ગાયકવાડ સહિત ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. રાત્રિના સમયે પ્રાથમિક તપાસ કર્યા બાદ ટ્રસ્ટની ટીમે વહેલી સવારે આસપાસના વિસ્તારનાં સીસીટીવી કેમેરાનાં ફૂટેજ એકત્રિત કર્યા હતા. ફૂટેજની ઝીણવટભરી તપાસ દરમિયાન દીપડા જેવી જંગલી પ્રાણીની હિલચાલ સ્પષ્ટપણે કેદ થયેલી જોવા મળી હતી. સીસીટીવીમાં દીપડાની હાજરી સામે આવતાં જ સમગ્ર મામલાની ગંભીરતા વધી ગઈ હતી.વન વિભાગને જાણ, પાંજરું ગોઠવવાની કવાયત શરૂ:દીપડાની હાજરીના પુરાવા મળતાં જ હિરેનભાઈ શાહ દ્વારા વન વિભાગના અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે પાંજરું ગોઠવવા સહિતની જરૂરી કાર્યવાહી અને સર્ચ ઓપરેશન હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ભોલાવ GIDC ફેઝ-1 જેવો સતત અવરજવર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતો વિસ્તાર હવે દીપડાની હાજરીને કારણે જોખમના દાયરામાં આવી ગયો છે. રાત્રિ દરમિયાન કામે જતા કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ અને સ્થાનિક લોકો માટે આ ઘટના ચેતવણી સમાન છે.હવે સવાલ એ છે કે દીપડો પકડાય તે પહેલાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે અને સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. ત્યાં સુધી લોકોને એકલા અવરજવર ન કરવા, દીપડો દેખાય તો તેની નજીક ન જવા કે તેને પકડવાનો પ્રયાસ ન કરવા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!