Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટનો શુભારંભ: હવે ખેડૂતો સીધા ગ્રાહકોને વેચી શકશે ખેતઉત્પાદનો..

ખેડૂતોને તેમના પરસેવાની મહેનતનું યોગ્ય વળતર મળે અને ગ્રાહકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત તથા રસાયણમુક્ત ખાદ્યપદાર્થો સરળતાથી ઉપલબ્ધ બને તેવા ઉમદા આશય સાથે ભરૂચ જિલ્લા પંચાયત પરિસર ખાતે ‘ભરૂચ સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલથી ખેડૂતોને વચેટિયાઓ અને દલાલોની ભૂમિકાથી મુક્ત રહી પોતાના ખેતઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની તક મળશે, જેના પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે. જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી વિભાગ, અમદાવાદ સ્થિત સૃષ્ટિ સંસ્થા તેમજ ભરૂચના બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ખેડૂત હાટ દર રવિવારે સવારે 7થી 11 વાગ્યા સુધી જિલ્લા પંચાયત સંકુલમાં યોજાશે. જેમાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકશે.હાટના પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં નાગરિકોએ મુલાકાત લઈને દેશી અને પ્રાકૃતિક ખેતપેદાશોની ખરીદી કરી હતી. ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો વ્યવસાયિક સંપર્ક સ્થાપિત કરતી આ પહેલને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. એક તરફ ખેડૂતોને પોતાના ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય મળશે, તો બીજી તરફ ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ બનશે. પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ જમીનની ફળદ્રુપતા જાળવવા અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પહેલ છે. પરંપરાગત પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને બીજામૃત જેવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે જમીનની ગુણવત્તા, ભેજ જાળવવાની ક્ષમતા અને કુદરતી ફળદ્રુપતા જાળવવામાં મદદરૂપ બને છે. રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવાથી પર્યાવરણ અને જમીનના સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. ભરૂચમાં શરૂ થયેલું આ પ્રાકૃતિક ખેડૂત હાટ ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાની સાથે સ્થાનિક નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પ્રાકૃતિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું માધ્યમ બની શકે છે. હવે દર રવિવારે ભરૂચવાસીઓને એક જ સ્થળે સ્થાનિક ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતપેદાશો ખરીદવાની તક મળશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!