Skip to main content

Geo Gujarat News

ભરૂચ: સાયખા અને દહેજ બાદ હવે અંકલેશ્વર GIDCમાં પ્રદૂષણનો મુદ્દો! ડેટોક્સ કંપનીની ચીમનીમાંથી પીળા રંગનો શંકાસ્પદ ધુમાડો નીકળતાં ખળભળાટ, GPCBની મંજૂરી હતી કે નિયમોને ઘોળીને પી ગયા?

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ઔદ્યોગિક પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સાયખા અને દહેજ GIDC બાદ હવે અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ કંપનીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જીતાલી ગામ નજીક આવેલી કંપનીની ચીમનીમાંથી પીળા રંગનો શંકાસ્પદ ધુમાડો છોડવામાં આવતો હોવાની ચર્ચાએ આસપાસના વિસ્તારમાં ચિંતા જગાવી છે. ચીમનીમાંથી નીકળતા પીળા રંગના ધુમાડાના દૃશ્યોએ ઔદ્યોગિક એકમોની પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને પ્રદૂષણ નિયંત્રણના દાવાઓ સામે ફરી સવાલો ઊભા કર્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે, કંપની દ્વારા અચાનક આ પ્રકારનો ધુમાડો કયા કારણોસર છોડવામાં આવ્યો હતો? શું આ કોઈ નિયમિત ઔદ્યોગિક પ્રક્રિયાનો ભાગ હતો કે પછી કોઈ ટેકનિકલ ખામી કે અન્ય કારણસર શંકાસ્પદ ધુમાડો વાતાવરણમાં છોડવામાં આવ્યો હતો? શું કંપનીએ આ કામગીરી કરતાં પહેલાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જરૂરી મંજૂરી મેળવી હતી? જો મંજૂરી લેવામાં આવી હોય તો તેની શરતોનું પાલન થયું હતું કે નહીં? અને જો મંજૂરી વિના આવી કામગીરી કરવામાં આવી હોય તો જવાબદાર કોણ?જનતાને શુદ્ધ હવા આપવાની જવાબદારી કોની? અત્રે નોંધનીય છે કે જીતાલી નજીક આવેલી આ કંપનીની કામગીરીને લઈને અગાઉ પણ અનેક વખત સવાલો ઊઠી ચૂક્યા હોવાની ચર્ચા છે. તેમ છતાં ફરી એકવાર ચીમનીમાંથી પીળા રંગનો શંકાસ્પદ ધુમાડો નીકળવાની ઘટના સામે આવતાં પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ઔદ્યોગિક વિકાસના નામે હવામાં શું છોડવામાં આવી રહ્યું છે અને તેની આસપાસના વિસ્તાર પર શું અસર થઈ શકે છે, તે બાબતની અવગણના કરી શકાય નહીં. હવે જોવાનું એ રહ્યું કે GPCB માત્ર કાગળ પર તપાસનો દેખાવ કરશે કે પછી સ્થળ પર પહોંચી ચીમનીમાંથી નીકળતા ધુમાડાના નમૂના લઈ તેની વૈજ્ઞાનિક તપાસ કરાવશે? કંપનીની ઉત્પાદન પ્રક્રિયા, ચીમનીના ઉત્સર્જનના માપદંડો, પર્યાવરણીય મંજૂરીઓ અને પ્રદૂષણ નિયંત્રણનાં સાધનોની પણ ઝીણવટભરી તપાસ થવી જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. માત્ર નોટિસો અને કાગળ પરની તપાસથી પ્રદૂષણ અટકવાનું નથી. GPCB હવે આ મામલે કેટલી ગંભીરતા દાખવે છે અને ડેટોક્સ કંપનીના પીળા ધુમાડા પાછળનું વાસ્તવિક કારણ શું છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી આ મામલો જવાબદાર તંત્ર સમક્ષ એક ગંભીર સવાલ બનીને ઊભો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!