રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ધાર્મિક શિક્ષણ, ઇસ્લામી સંસ્કાર અને દીની તાલીમના મહત્વને ઉજાગર કરતી ભવ્ય મોહસિને આઝમ કોન્ફરન્સ અને જલ્સા-એ-દસ્તારબંદીનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલી ગુજરાતની પ્રાચીન અને જાણીતી ધાર્મિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલૂમ મદ્રસા-એ-મિસ્કીનીયા ખાતે આગામી તા. ૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ શુક્રવારની રાત્રે ઈશાની નમાજ બાદ આ ધાર્મિક મહેફિલ યોજાશે. કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી જાણીતા ઇસ્લામી વિદ્વાનો, ઉલેમાઓ, વક્તાઓ, શાયરો અને નાતખ્વાનો ઉપસ્થિત રહી પોતાની ધાર્મિક અને આધ્યાત્મિક વાતોથી શ્રોતાઓને માર્ગદર્શન આપશે. આ ભવ્ય કોન્ફરન્સની અધ્યક્ષતા દારુલ ઉલૂમ મિસ્કીનીયાના આચાર્યશ્રી, ગુજરાતના પ્રખર વિદ્વાન, ફખરે મિલ્લત અને શૈખુલ હદીસ હઝરત અલ્લામા ગુલામ ગૌસ અલ્વી અલ-હાશ્મી સાહેબ કરશે. જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન હઝરત મૌલાના મોહંમદ અહેમદ હુસૈન સાહેબ ફૈઝી અલવી તથા હઝરત મૌલાના મુફતી નવાઝ અહેમદ યાર અલવી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હઝરત મૌલાના સૈયદ અમીનુલ કાદરી સાહેબ, સુન્ની દાવતે ઈસ્લામી મુંબઈના અમીર હઝરત મૌલાના મોહંમદ શાકિર સાહેબ નૂરી તેમજ મુંબઈના જાણીતા કારી રિઝવાન ખાન સાહેબ ઉપસ્થિત રહી ધાર્મિક પ્રવચનો અને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત અનેક જાણીતા ઉલેમાઓ, વિદ્વાનો, શાયરો અને નાતખ્વાનોની ઉપસ્થિતિ કાર્યક્રમની શોભામાં વધારો કરશે.
આ સમારોહનું વિશેષ આકર્ષણ પદવીદાન એટલે કે જલ્સા-એ-દસ્તારબંદી રહેશે. જેમાં દારુલ ઉલૂમ મદ્રસા-એ-મિસ્કીનીયા ખાતે ધાર્મિક અભ્યાસ પૂર્ણ કરનારા કુલ ૪૪ વિદ્યાર્થીઓને પરંપરાગત રીતે પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવશે. જેમાં દર્સે નિઝામી (આલિમ કોર્સ) પૂર્ણ કરનારા ૮ વિદ્યાર્થીઓ, હિફ્ઝ વિભાગના ૮ વિદ્યાર્થીઓ તથા કિરઅત વિભાગના ૨૮ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, અભ્યાસ અને ધાર્મિક શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવવામાં આવશે. કાર્યક્રમમાં બહેનો માટે પડદાની અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી તેઓ પણ ધાર્મિક મહેફિલમાં સહભાગી બની શકે. ખાસ કરીને સમયની પાબંદીને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ રાત્રે બરાબર ૯:૦૦ વાગ્યે શરૂ કરવામાં આવશે. આ ભવ્ય ધાર્મિક મહેફિલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ હાજી અફરોઝભાઈ લકડકુટા, હાજી બાસિતભાઈ પાનવાલા, હાજી સિરાજભાઈ ઘાયા, હાજી રફીકભાઈ તુમ્બી સહિત સમગ્ર ટ્રસ્ટ મંડળ અને સંસ્થાના શિક્ષકગણે સૌ ધર્મપ્રેમી નાગરિકો, ઉલેમાઓ અને શ્રદ્ધાળુઓને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
સ્થળ: દારુલ ઉલૂમ મદ્રસા-એ-મિસ્કીનીયા, ઉપલેટા રોડ, ધોરાજી, જિ. રાજકોટ.
તારીખ: ૬ નવેમ્બર, ૨૦૨૬, શુક્રવાર.
સમય: રાત્રે ૯:૦૦ વાગ્યે.
આ ધાર્મિક મહેફિલ માત્ર પદવીદાન સમારોહ પૂરતી મર્યાદિત ન રહેતાં દીની તાલીમ, ધાર્મિક જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક ચેતનાના સંદેશને સમાજ સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે.
સકલેન ગરાણા, ધોરાજી (રાજકોટ)
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com