Skip to main content

Geo Gujarat News

નેત્રંગમાં ડો.પ્રવીણભાઈ તોગડિયાનું ભવ્ય સ્વાગત અને સન્માન, રણછોડજી મંદિર ટ્રસ્ટે શાલ ઓઢાડી કર્યું અભિવાદન..

નેત્રંગ નગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક તેમજ જાણીતા કેન્સર સર્જન ડો. પ્રવીણભાઈ તોગડિયાની મુલાકાતને લઈને ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. તેમના આગમન પ્રસંગે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પરંપરાગત ઉષ્મા અને ઉત્સાહ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નગરમાં તેમના પ્રવેશની સાથે જ જય શ્રીરામના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહસભર બની ગયું હતું. નેત્રંગની મુલાકાત દરમિયાન ડો. પ્રવીણભાઈ તોગડિયાએ તુલસી ફળિયા સ્થિત પ્રાચીન રણછોડજી મંદિરે પહોંચીને ભગવાનનાં દર્શન કર્યા હતા. આ પાવન પ્રસંગે રણછોડજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી મંડળના સભ્યોએ તેમને સન્માનિત કરી આશીર્વાદ મેળવ્યા હતા.ત્યારબાદ મંદિર નજીક આવેલા સંકેતભાઈ પંચાલના નિવાસસ્થાને વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડો.પ્રવીણભાઈ તોગડિયાએ ઉપસ્થિત સમાજજનોને સંબોધિત કરતાં હિન્દુ સમાજની એકતા, સંગઠનની શક્તિ અને રાષ્ટ્રરક્ષાના મહત્વ અંગે પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા હતા. સમાજમાં પરસ્પર એકતા, જાગૃતિ અને સંગઠિત શક્તિ જાળવવા અંગે તેમણે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્ર દેશમુખ સહિત હિન્દુ સમાજના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડો. પ્રવીણભાઈ તોગડિયાનું ઉષ્માભર્યું અભિવાદન, મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું સન્માન અને સભામાં આપવામાં આવેલું માર્ગદર્શન મુલાકાતને વિશેષ યાદગાર બનાવનારાં બન્યાં હતાં.

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!