Skip to main content

Geo Gujarat News

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ચીનની શાંતિ પહેલ તેજ, શી જિનપિંગે ઓમાન સાથે કરી મહત્વપૂર્ણ બેઠક, હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત દરિયાઈ માર્ગ શરૂ કરવા ભાર..

પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતા તણાવની આશંકા વચ્ચે ચીને રાજદ્વારી સ્તરે શાંતિ સ્થાપવાના પ્રયાસોને વેગ આપ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અલ-સૈયદ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પશ્ચિમ એશિયા અને અખાતી દેશોનું ક્ષેત્ર વિશ્વની મહાસત્તાઓ વચ્ચેના સંઘર્ષ કે સ્પર્ધાનું કેન્દ્ર બનવું જોઈએ નહીં. આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે ચીન અરબ દેશો સાથે મળીને કાર્ય કરવા તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 1978માં ચીન અને ઓમાન વચ્ચે રાજદ્વારી સંબંધોની શરૂઆત થયા બાદ ઓમાનના કોઈ રાષ્ટ્રાધ્યક્ષની આ પ્રથમ ચીન મુલાકાત છે. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ પરિવહન સામાન્ય બનાવવા સંમતિ: ચીન અને ઓમાન દ્વારા જાહેર કરવામાં આવેલા 20 મુદ્દાના સંયુક્ત નિવેદનમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી સામાન્ય અને સુરક્ષિત દરિયાઈ પરિવહન ફરી શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. બંને દેશોએ અમેરિકા અને ઈરાનને સૈન્ય સંઘર્ષનો માર્ગ છોડીને રાજદ્વારી વાટાઘાટો દ્વારા વિવાદ ઉકેલવા અપીલ કરી છે. જૂન મહિનામાં થયેલા કરારના આધારે ફરી વાતચીત શરૂ કરી તણાવ ઘટાડવા પણ બંને દેશોએ અનુરોધ કર્યો છે. બીજી તરફ, ઈરાનના નાયબ સુરક્ષા પ્રમુખ અલી બાઘેરી કાનીએ પણ ચીનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે યોજાયેલી બેઠકમાં ઈરાનની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને સુરક્ષાને સમર્થન આપવાની વાત કરવામાં આવી હતી.

શાંતિ પ્રયાસોને વેગ આપવા ચીનના ખાસ દૂતનો ત્રણ દેશોનો પ્રવાસ: પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને આગળ વધારવા ચીને વધુ એક રાજદ્વારી પહેલ હાથ ધરી છે. ચીનના વિશેષ દૂત ઝાઈ જૂન આ મહિને ઈરાન, ઓમાન અને સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન પ્રાદેશિક તણાવ ઘટાડવા, સંવાદનું વાતાવરણ ઊભું કરવા અને શાંતિપૂર્ણ ઉકેલ માટે સંબંધિત દેશો સાથે ચર્ચા કરવામાં આવશે. વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં ચીનની આ સક્રિયતા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શી જિનપિંગે પણ આંતરરાષ્ટ્રીય સમુદાયને યુદ્ધ અટકાવવા અને સુરક્ષા સંબંધિત પડકારોનો સામૂહિક રીતે ઉકેલ લાવવા અપીલ કરી છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ચીનની આ રાજદ્વારી પહેલ કેટલું પરિણામ લાવે છે અને અમેરિકા-ઈરાન વચ્ચે વાટાઘાટોનો માર્ગ ફરી ખુલે છે કે નહીં તેના પર હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર રહેશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!