કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની અનોખી પહેલ, 200થી વધુ દિવ્યાંગ વૃદ્ધોને મળશે સુરક્ષિત આશ્રય: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે માનવતા, સેવાભાવ અને સામાજિક જવાબદારીનું એક અનોખું ઉદાહરણ આકાર લઈ રહ્યું છે. નિરાધાર અને દિવ્યાંગ વૃદ્ધોને જીવનના અંતિમ પડાવમાં માત્ર આશ્રય જ નહીં, પરંતુ પરિવાર જેવી હૂંફ, સુરક્ષા, સન્માન અને આત્મનિર્ભરતાભર્યું વાતાવરણ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે નિર્માણ પામી રહેલું વિશાળ વૃદ્ધાશ્રમ પ્રભુનું ઘર હવે પૂર્ણતાના આરે પહોંચ્યું છે. સુરત સ્થિત કેપી ગ્રુપની સીએસઆર સંસ્થા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અંદાજે રૂ. 22થી 25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લગભગ 90 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલ અંતિમ તબક્કાનું ફિનિશિંગ કાર્ય ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં આ સેવાકીય સંકુલને જરૂરિયાતમંદ દિવ્યાંગ વૃદ્ધો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી શક્યતા છે. ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે નર્મદા નદીના રમણીય કિનારે આશરે 90,644 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ વિશાળ સંકુલ કોઈ આધુનિક ફાર્મહાઉસ કે સુવિધાસભર રહેણાક કેમ્પસથી ઓછું નથી. અહીં 200થી વધુ દિવ્યાંગ વૃદ્ધોને રહેવા, જમવા, આરોગ્યની સંભાળ અને દૈનિક જીવનની જરૂરિયાતો માટે સુવ્યવસ્થિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં અનેક વખત ઉપેક્ષા અને એકલતાનો સામનો કરતા દિવ્યાંગ વૃદ્ધોને જીવનનો નવો આધાર મળે અને તેઓ પણ ગૌરવ સાથે જીવન જીવી શકે તે આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
વર્ષ 2023માં મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસ, ડૉ. ફારુક પટેલે ઉઠાવી સમગ્ર પ્રોજેક્ટની જવાબદારી, વૃદ્ધાશ્રમ નહીં, પરંતુ તમામ સુવિધાઓથી સજ્જ માનવતાનું વિશાળ સંકુલ: ઉલ્લેખનીય છે કે, આ સેવાકીય પ્રકલ્પનો શિલાન્યાસ 19 ફેબ્રુઆરી, 2023ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રોજેક્ટના મુખ્ય દાતા તરીકે ડૉ. ફારુક પટેલે આ ઉમદા કાર્યને સાકાર કરવાની જવાબદારી સંભાળી છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલું આ નિર્માણકાર્ય હવે અંતિમ તબક્કામાં પહોંચતાં ટૂંક સમયમાં સેવાના દ્વાર ખૂલવાની આશા જાગી છે. પ્રભુનું ઘરની વિશેષતા માત્ર તેની વિશાળતા કે બાંધકામમાં જ નથી, પરંતુ અહીં દિવ્યાંગ વૃદ્ધોની જીવનજરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઊભી કરવામાં આવેલી સુવિધાઓમાં પણ છે. સમગ્ર સંકુલમાં આધુનિક રહેણાક ઇમારત, વિશાળ ભોજનશાળા, આરોગ્ય કેન્દ્ર, મંદિર, રિસેપ્શન અને વહીવટી વિભાગ, મહેમાનો માટે ગેસ્ટ હાઉસ, કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર તેમજ ગૌશાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા નદીની પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓને પણ આશ્રય મળી રહે તે હેતુથી ખાસ ડોરમેટરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, દિવ્યાંગ વૃદ્ધોની સેવા સાથે ધાર્મિક અને સામાજિક સેવાભાવને પણ આ પ્રકલ્પમાં સ્થાન આપવામાં આવ્યું છે. એક જ સંકુલમાં રહેઠાણ, આરોગ્ય, ભોજન, આધ્યાત્મિકતા અને સંભાળની સુવિધાઓ ઊભી કરવાનો આ પ્રયાસ તેને વિશેષ બનાવે છે.
વડાપ્રધાનના દિવ્યાંગજનો પ્રત્યેના અભિગમથી પ્રેરાઈને સેવાકાર્યનો સંકલ્પ: કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા કેપી હ્યુમનના ચેરપર્સન ડૉ.ફારુક જી. પટેલે આ પ્રોજેક્ટ પાછળની ભાવના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિવ્યાંગજનો પ્રત્યે વિશેષ લગાવ છે. તેમણે દિવ્યાંગ વ્યક્તિઓને સન્માનજનક ઓળખ મળે તે માટે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ પ્રચલિત કર્યો હતો. આ અભિગમથી પ્રેરાઈને દિવ્યાંગજનો માટે કંઈક વિશેષ કરવાની ભાવના મનમાં જાગી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉંમર કે દિવ્યાંગતા ક્યારેય કોઈ વ્યક્તિને સન્માન, આરામ અને યોગ્ય કાળજીથી વંચિત રાખવાનું કારણ બનવું જોઈએ નહીં. દિવ્યાંગજનો પ્રત્યે અમારા હૃદયમાં વિશેષ સ્થાન છે અને ‘પ્રભુનું ઘર’ના માધ્યમથી તેમને માત્ર રહેવાની જગ્યા નહીં, પરંતુ સુરક્ષિત, સ્વાવલંબી અને લાગણીસભર ઘર આપવાનો અમારો પ્રયાસ છે. તેમના મતે આ માત્ર એક બાંધકામનો પ્રોજેક્ટ નથી, પરંતુ સમાજમાં ઘણી વખત નજરઅંદાજ થઈ જતા લોકોને તેમનું હકનું માન-સન્માન, સુરક્ષા અને સમાજના મુખ્ય પ્રવાહમાં સ્થાન અપાવવાની એક નમ્ર માનવતાવાદી પહેલ છે.
પદ્મશ્રી ડૉ. કાનુભાઈ ટેલરના ટ્રસ્ટને સોંપાશે સંચાલન: આ પ્રોજેક્ટની બીજી મહત્વપૂર્ણ વિશેષતા તેના ભાવિ સંચાલનને લઈને છે. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની ટીમના જણાવ્યા અનુસાર, ‘પ્રભુનું ઘર’નું અંતિમ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ આ સમગ્ર સંકુલનું સંચાલન અને વ્યવસ્થાપન સુરતના પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. કાનુભાઈ ટેલર દ્વારા સંચાલિત ‘ડિસેબલ્ડ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા’ને સોંપવામાં આવશે. સાથે જ કેપી હ્યુમનના પ્રતિનિધિઓ પણ સંસ્થાના મેનેજમેન્ટ બોર્ડમાં સામેલ રહેશે, જેથી સુવિધાઓનું સંચાલન અને વ્યવસ્થાપન સુચારુ રીતે થઈ શકે. નોંધનીય છે કે, કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન હાલમાં 30થી વધુ વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો તેમજ દૃષ્ટિહીન, શ્રવણમંદ અને અન્ય વંચિત સમુદાયોના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આ ફાઉન્ડેશન 150થી વધુ સંસ્થાઓ સાથે સંકળાયેલું છે અને હ્યુમન ફર્સ્ટ એટલે કે માનવતા પ્રથમના ધ્યેયમંત્ર સાથે સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી રહ્યું છે.
નર્મદાના કિનારે નિરાધાર દિવ્યાંગ વૃદ્ધોને મળશે જીવનની નવી આશા: આજના સમયમાં જ્યારે અનેક વૃદ્ધો એકલતા, આર્થિક મુશ્કેલી અને શારીરિક અક્ષમતાઓને કારણે મુશ્કેલ જીવન જીવવા મજબૂર બને છે, ત્યારે ઉચેડિયા ખાતે આકાર લઈ રહેલું પ્રભુનું ઘર આશાનું નવું કિરણ બની શકે છે. અહીં દિવ્યાંગ વૃદ્ધોને માત્ર છત નહીં, પરંતુ જીવનની જરૂરિયાતો સાથે લાગણી, સંભાળ અને સ્વાભિમાનથી જીવવાની તક આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. નર્મદા નદીના પવિત્ર કિનારે તૈયાર થઈ રહેલું આ સંકુલ ભરૂચ જિલ્લા માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે માનવતાવાદી સેવાકાર્યનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બની શકે છે. હવે સૌની નજર આ પ્રોજેક્ટના લોકાર્પણ અને નિરાધાર દિવ્યાંગ વૃદ્ધો માટે તેના દ્વાર ખુલવાની ઘડી પર મંડાઈ છે. ખરેખર, કોઈ નિરાધાર વ્યક્તિને જીવનના અંતિમ પડાવમાં પરિવાર જેવી હૂંફ અને સન્માન મળે, તેનાથી મોટું માનવતાનું કાર્ય બીજું શું હોઈ શકે!
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com