Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર: ચોરીના મોબાઇલ સાથે બે શખ્સો પોલીસના સકંજામાં, GIDC પોલીસે ચાર મોબાઇલ અને યામાહા બાઇક સહિત 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો..

અંકલેશ્વર GIDC પોલીસને ચોરીના મુદ્દામાલ અંગેની કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મળી છે. ફ્રિકોમ ચોકડી પાસેથી પોલીસે બે શખ્સોને ચાર મોબાઇલ ફોન અને યામાહા બાઇક સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. 1.40 લાખ જેટલી થાય છે. જોકે, મોબાઇલ ફોન અને બાઇક અંગે માલિકી કે ખરીદીના કોઈ આધારભૂત પુરાવા રજૂ કરવામાં બંને શખ્સો નિષ્ફળ રહેતાં પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના હાથે ઝડપાયેલા શખ્સોની ઓળખ મોહમદ મુસ્તુફા તસ્લીમ શેખ (ઉં.વ. 24) અને મોહમદ નિશાર ઉર્ફે સોનુ તસ્લીમ શેખ (ઉં.વ. 22) તરીકે થઈ છે. બંને મૂળ સુરત જિલ્લાના સાયણ વિસ્તારમાં આવેલા રોયલ એવન્યુના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ. 90 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન કબજે કર્યા હતા. આ ઉપરાંત રૂ. 50 હજારની કિંમતની કાળા રંગની યામાહા FZ બાઇક, જેનો રજિસ્ટ્રેશન નંબર GJ-05-SQ-4178 છે, તે પણ કબજે કરવામાં આવી હતી. આમ, કુલ રૂ. 1.40 લાખનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 106 હેઠળ કબજે કરવામાં આવ્યો છે. હવે અન્ય ચોરીના ગુનાઓની કડીઓ પણ ખુલશે? પ્રાથમિક તપાસ દરમિયાન બંને શખ્સો મોબાઇલ ફોન અને બાઇક અંગે માલિકી કે ખરીદીના સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યા નહોતા. જેના પગલે આ મુદ્દામાલ ચોરીનો હોવાની આશંકા વ્યક્ત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કબજે કરાયેલા મોબાઇલ ફોન અથવા બાઇક અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલા હોય અથવા તપાસ માટે જરૂરી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશન અંકલેશ્વર GIDC પોલીસનો સંપર્ક કરી શકે છે.

આ કાર્યવાહીથી અન્ય વિસ્તારોમાં નોંધાયેલા ચોરીના ગુનાઓની કડીઓ પણ મળી આવે તેવી શક્યતા છે. હવે પોલીસની વધુ તપાસમાં આ મુદ્દામાલ ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને તેની પાછળ અન્ય કોઈ ગુનાહિત કડી છે કે કેમ તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!