Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં તસ્કરો પર એ ડિવિઝન પોલીસનો સપાટો! મોબાઇલ સ્નેચિંગ અને કોર્ટ કેમ્પસની બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો, ચાર આરોપીઓ ઝડપાયા

ભરૂચ શહેરમાં મોબાઇલ સ્નેચિંગ અને વાહનચોરી જેવી ઘટનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંકતા તત્વો સામે એ ડિવિઝન પોલીસે સકંજો કસ્યો છે. પોલીસે બે અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસની આ કાર્યવાહીમાં મોબાઇલ સ્નેચિંગ માટે ઉપયોગમાં લેવાયેલી બજાજ પલ્સર બાઇક અને ભરૂચ કોર્ટ કેમ્પસમાંથી ચોરાયેલી મોટરસાઇકલ સહિત કુલ રૂ. 80 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાની આગેવાની હેઠળ હાથ ધરાયેલી તપાસમાં પ્રથમ બનાવ 25 ઓક્ટોબરના રોજ શ્રવણ ચોકડી નજીક ક્રોમા શો-રૂમ પાસે બન્યો હતો. અહીં બાઇક પર આવેલા શખ્સે ફરિયાદીના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો અને પળવારમાં ફરાર થઈ ગયો હતો. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આસપાસના સીસીટીવી કેમેરાનાં ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા યામીન અલ્તાફ પટેલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ગુનામાં વપરાયેલી રૂ. 50 હજારની બજાજ પલ્સર 220 બાઇક, નંબર GJ-05-SM-3042, કબજે કરવામાં આવી હતી. તપાસમાં આરોપી યામીન સામે કોસંબા, જંબુસર અને માંડવી પોલીસ મથકોમાં ચોરી અને લૂંટ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.બીજી તરફ, ભરૂચ કોર્ટ કેમ્પસ જેવી મહત્ત્વપૂર્ણ જગ્યામાંથી જ મોટરસાઇકલની ચોરી કરી તસ્કરોએ પોલીસ સામે પડકાર ઊભો કર્યો હતો. ગત 27 ઓક્ટોબરના રોજ હીરો-હોન્ડા CD-Dawn મોટરસાઇકલ, નંબર GJ-16-R-3517, ચોરાઈ જતાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. નંદેલાવ બ્રિજથી ગોદી રોડ તરફ પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચોરાયેલી મોટરસાઇકલ પર સવાર ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં પંજાબના વતની વિશાલદીપસિંગ હરપાલસિંગ સિંઘ, દલજીતસિંગ હરદીપસિંગ સિંઘ અને અજયપાલ સુરેન્દ્રસિંગ સિંઘનો સમાવેશ થાય છે. ત્રણેય હાલ વાગરા તાલુકાની એલ એન્ડ ટી કોલોનીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની પાસેથી રૂ. 30 હજારની ચોરાયેલી મોટરસાઇકલ કબજે કરી હતી. આ કેસમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે મુખ્ય આરોપી વિશાલદીપસિંગ સામે અગાઉ પણ દહેજ અને ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ચોરીના ત્રણ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.એટલે કે અગાઉના ગુનાઓના રેકોર્ડ ધરાવતા શખ્સો ફરી ચોરીના બનાવમાં સંડોવાયેલા હોવાનું સામે આવતાં પોલીસ તપાસનું મહત્ત્વ વધ્યું છે. આમ, ભરૂચ એ ડિવિઝન પોલીસે બે અલગ-અલગ ગુનાઓમાં ચાર આરોપીઓને ઝડપી પાડી કુલ રૂ. 80 હજારનો મુદ્દામાલ કબજે કરીને ચોરી અને સ્નેચિંગના બનાવોનો ભેદ ઉકેલ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!