ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા ગામે આવેલી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની કરોડો રૂપિયાની મિલકતોની હરાજીનો મામલો હવે વિવાદના વંટોળમાં ફસાયો છે. મંડળીની 46.03 હેક્ટર જમીન, પ્લાન્ટ, મશીનરી સહિતની અન્ય મિલકતોની હરાજી સામે ભરૂચ જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિએ આક્રમક વિરોધ નોંધાવી તંત્ર સમક્ષ લાલબત્તી ધરી છે. NCDC દ્વારા SARFAESI Act હેઠળ આગામી 18 નવેમ્બરના રોજ યોજાનારી ઈ-હરાજીની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત રાખવાની માંગ સાથે સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. આ હરાજીમાં મંડળીની મિલકતોની અનામત કિંમત રૂ.186.48 કરોડ નક્કી કરવામાં આવી હોવાનું સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે. વર્ષોથી આ સહકારી સંસ્થા સાથે જોડાયેલા શેરધારકોના હિતોનું શું? શું હરાજીની પ્રક્રિયા અંગે તમામ શેરધારકોને યોગ્ય જાણ કરવામાં આવી છે? શું તેમને પોતાની રજૂઆત કરવાનો પૂરતો અવસર આપવામાં આવ્યો છે? આવા સળગતા સવાલો ઉઠાવી ખેડૂત હિત રક્ષક સમિતિએ હરાજીની પ્રક્રિયાની કાયદેસરતા અને પારદર્શિતા સામે શંકા વ્યક્ત કરી છે.
સમિતિએ આવેદનપત્રમાં માત્ર હરાજી રોકવાની માંગ જ નથી કરી, પરંતુ સમગ્ર પ્રક્રિયાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની પણ રજૂઆત કરી છે. SARFAESI Act અને સંબંધિત નિયમો હેઠળ નોટિસોની યોગ્ય બજવણી થઈ છે કે નહીં, મિલકતોનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવ્યું, રૂ.186.48 કરોડની અનામત કિંમત નક્કી કરવા પાછળના આધાર શું છે તેમજ લિક્વિડેટર દ્વારા સત્તાઓનો કાયદેસર ઉપયોગ થયો છે કે નહીં, તે તમામ મુદ્દાઓની તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ખેડૂત હિત રક્ષક સમિતિએ સ્પષ્ટ માંગ કરી છે કે હરાજી સંબંધિત તમામ દસ્તાવેજો મંગાવવામાં આવે, સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે તથા વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા અસરગ્રસ્ત શેરધારકોના કાયદેસરના હિતોનું રક્ષણ કરવામાં આવે. જ્યાં સુધી આ તમામ બાબતોની યોગ્ય તપાસ ન થાય ત્યાં સુધી 18 નવેમ્બરે યોજાનારી ઈ-હરાજીની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવે. કરોડો રૂપિયાની મિલકતોની હરાજીનો મામલો હવે માત્ર નાણાકીય વસૂલાત પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ સહકારી સંસ્થા સાથે જોડાયેલા ખેડૂતો અને શેરધારકોના હિતોનો પણ ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટર આ આવેદનપત્રને કેટલી ગંભીરતાથી લે છે અને હરાજી પહેલાં ઉઠેલા સવાલોનો ન્યાયસંગત નિકાલ થાય છે કે કેમ તેના પર હવે સહકારી ક્ષેત્રની નજર મંડાઈ છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com