Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વરમાં બંધ મકાનના નકુચા તોડી સોનાના દાગીના સાફ કરનાર બે તસ્કરો ઝડપાયા, દિવાળી ખરીદીમાં બાઈક ઉડાવનાર ચોર પણ પોલીસની જાળમાં..

બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, નકુચો તોડી ઘરમાં ઘૂસ્યા:અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપીને ફરાર થઈ જતા તસ્કરો સામે પોલીસ તંત્રએ કાર્યવાહી તેજ કરી છે. બંધ મકાનને નિશાન બનાવી લાખોની કિંમતના સોનાના દાગીના ચોરી કરનારા બે શખ્સોને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે દિવાળીની ખરીદી કરવા આવેલા ગ્રાહકની બાઈક દુકાન બહારથી ઉઠાવી જનાર ચોરને અંકલેશ્વર રૂરલ પોલીસે ચોરાયેલી બાઈક સાથે દબોચી લીધો છે. આમ, ચોરીના બે અલગ-અલગ બનાવોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડીને ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલા શિવદર્શન બંગલોઝમાં ગત 1 ઓક્ટોબરની રાત્રે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાલિક પરિવાર સાથે બહારગામ ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાં ફંફોસાટ ચલાવી એક તોલાની સોનાની ચેઈન, કાળા મોતીવાળું મંગળસૂત્ર અને સોનાની કડી સહિત કુલ 14 ગ્રામ સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલા દાગીનાની કિંમત રૂ.1,92,360 જેટલી હોવાનું સામે આવ્યું હતું.દિવાળીની ખરીદી કરવા ગયેલા ગ્રાહકની બાઈક દુકાન બહારથી ઉઠાવી, પોલીસની તપાસમાં બે યુવા તસ્કરોનો પર્દાફાશ:બંધ મકાનમાં થયેલી ચોરીનો ગુનો નોંધાયા બાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની ગહન તપાસના અંતે ભરૂચના 24 વર્ષીય અને 19 વર્ષીય બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ સાથે જ બંધ મકાનમાં ઘૂસીને સોનાના દાગીના ચોરી કરવાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, દિવાળીના તહેવારની ખરીદી પણ એક બાઈકમાલિકને ભારે પડી હતી. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક ગ્રીન સીટી સોસાયટી સામે આવેલી ઇલેક્ટ્રોનિક્સની દુકાન બહારથી બાઈકની ચોરી થઈ હતી. કાનવા ગામના વતની મનોજકુમાર વસાવા ગત 2 નવેમ્બરના રોજ દિવાળીની ખરીદી કરવા આવ્યા હતા. તેમણે પોતાની બાઈક દુકાન બહાર પાર્ક કરી હતી, પરંતુ ખરીદી કરીને પરત ફરતાં બાઈક ગાયબ હતી. અજાણ્યો શખ્સ બાઈક ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.સીસીટીવી અને બાતમીદારોની મદદથી બાઈકચોર ઝડપાયો:બાઈક ચોરીના બનાવને ગંભીરતાથી લઈ અંકલેશ્વર રૂરલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે જીતાલી ગામની રાજહોમ સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના 24 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી ચોરી કરાયેલી બાઈક પણ મળી આવતા પોલીસે બાઈક કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં ચોરીના બે અલગ-અલગ બનાવોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડતાં તસ્કર તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, રહેણાક વિસ્તારોમાં બંધ મકાનો અને જાહેર સ્થળોએ પાર્ક કરાયેલા વાહનોને નિશાન બનાવતા તસ્કરો સામે પોલીસની સતત સતર્કતા અને પેટ્રોલિંગ પણ એટલું જ જરૂરી બન્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!