ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં દિવાળીના પાવન પર્વ નિમિત્તે સેવાભાવ અને માનવતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું. નવનિર્માણ સંઘ (બી.એન.એસ.) ગ્રુપ તથા ભરૂચ જિલ્લા ભાજપ વિધાનસભા મતવિસ્તારના પરિવાર દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર દિવાળીની ખુશી પાથરવાના હેતુથી દિવાળી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નવનિર્માણ સંઘના સ્થાપક વૃષભ પટેલ દ્વારા તૈયાર કરાવવામાં આવેલી આ દિવાળી કીટમાં ફટાકડા, નવાં કપડાં, મીઠાઈ સહિતની વિવિધ સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હતો કે આર્થિક પરિસ્થિતિના કારણે કોઈ બાળક તહેવારની ખુશીઓથી વંચિત ન રહે અને સમાજના છેવાડાના પરિવારોનાં બાળકો પણ અન્ય બાળકોની જેમ દિવાળીના પર્વની ઉજવણી કરી શકે.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પરેશ લાડ, નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી અને નવનિર્માણ સંઘના સ્થાપક વૃષભ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તહેવારોની સાચી સાર્થકતા માત્ર પોતાના ઘરમાં દીવા પ્રગટાવવામાં નહીં, પરંતુ બીજાના જીવનમાં પણ ખુશીઓનો પ્રકાશ ફેલાવવામાં રહેલી છે. નવનિર્માણ સંઘની આ સેવાકીય પહેલે જરૂરિયાતમંદ બાળકોની દિવાળીને વધુ રંગીન અને યાદગાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com