ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં મોડી રાત્રે રહેણાક વિસ્તારમાં મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ખાસ કરીને બાળકો અને મહિલાઓની સુરક્ષાને લઈને પરિવારોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. દિવાળીના તહેવાર દરમિયાન ગામની વસ્તી વચ્ચે મગરની હાજરી સામે આવતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના આશરે એક વાગ્યાના સુમારે ભીમપુરા ગામના સરપંચ દિપસંગ રાઠોડ, કપિલભાઈ જાદવ સહિતના આગેવાનો આમોદ નગરમાં યોજાયેલા ભજન કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગામમાં પ્રવેશતાં જ તેમની નજર રહેણાક વિસ્તાર નજીક આવેલા મગર પર પડી હતી. મગરને જોઈ તાત્કાલિક સાવચેતીના પગલાં લેતાં તેમણે મગર પર નજર રાખી અનિલભાઈ ચાવડાને જાણ કરી હતી.
દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે મધરાતે મગર દેખાયાની જાણ થતાં અનિલભાઈ ચાવડા પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટીમે ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ મગરને છોટા હાથી ટેમ્પોમાં લઈ વનવિભાગને સોંપવા માટે રવાના કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કપિલભાઈ જાદવ સહિતના આગેવાનોએ સમયસર સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યુ કરનાર અનિલભાઈ ચાવડા અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી. રહેણાક વિસ્તાર સુધી મગર પહોંચી જવાની આ ઘટના ગ્રામજનો માટે ચેતવણી સમાન બની છે. જો સમયસર મગરની જાણ ન થઈ હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાને નકારી શકાય તેમ નહોતી. સદનસીબે સમયસરની જાણ અને રેસ્ક્યુ ટીમની કામગીરીથી સંભવિત જોખમ ટળી ગયું હતું.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com