ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા વાગરા તાલુકામાં હવે ગેરકાયદેસર હથિયારોની ઘૂસણખોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દહેજ પોલીસની સતર્ક પેટ્રોલિંગ દરમિયાન વડદલા ગામ નજીક મહાળી ચોકડી પાસેથી દેશી બનાવટના તમંચા અને જીવતા કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાએ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ, દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વડદલા ગામ નજીક મહાળી ચોકડી પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હથિયાર સાથે ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી.
જેના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી શંકાસ્પદ શખ્સને ઝડપી લઈ તેની તલાશી લેતાં તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો (અગ્નિશસ્ત્ર) અને એક જીવતું કારતૂસ મળી આવ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતાં તેનું નામ ગૌતમકુમાર મંડલ હોવાનું અને તે હાલ સેક્ટર-૦૧, વડદલા, તાલુકો વાગરા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તે મૂળ બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લાના સાધુઆ ગામનો વતની હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ હથિયાર પોતાના વતન બિહાર ખાતેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તથા ગુજરાત પોલીસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ અહીં સવાલ માત્ર એક તમંચો અને એક કારતૂસ ઝડપાવાનો નથી! ઔદ્યોગિક એકમો, કામદારોની વસાહતો અને સતત અવરજવર ધરાવતા વાગરા પંથકમાં બહારથી ગેરકાયદેસર હથિયારો આવી રહ્યાં હોય તો તેની પાછળનું નેટવર્ક કેટલું મોટું હોઈ શકે? હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું, કોના સંપર્કથી લાવવામાં આવ્યું અને તેનો ઉપયોગ કયા હેતુથી થવાનો હતો તે તમામ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે.પોલીસે એક શખ્સને ઝડપી પાડીને ચોક્કસ સફળતા મેળવી છે, પરંતુ માત્ર એક આરોપીની ધરપકડથી જવાબદારી પૂર્ણ થતી નથી. હથિયારના સપ્લાયરો અને તેની પાછળ સક્રિય સંભવિત નેટવર્ક સુધી પોલીસ પહોંચે તે જરૂરી છે. વાગરા-દહેજ જેવા સંવેદનશીલ ઔદ્યોગિક વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોને કોઈ સ્થાન ન હોવું જોઈએ. પોલીસ તંત્ર હવે આ મામલે કેટલી ઊંડી તપાસ કરે છે અને આવા તત્વો સામે કેટલો કડક કાયદાકીય સકંજો કસે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com