Skip to main content

Geo Gujarat News

રાજકોટના ધોરાજીમાં મોહસિને આઝમ કોન્ફરન્સ અને દસ્તારબંદીનો કાર્યક્રમ ભવ્ય અને શાનદાર રીતે સંપન્ન થયો..

સૌરાષ્ટ્ર-ગુજરાતની અત્યંત પ્રાચીન અને પ્રતિષ્ઠિત દીની તાલીમી સંસ્થા ‘દારુલ ઉલૂમ મદ્રસા-એ-મિસ્કીનીયા, ધોરાજી ખાતે તાજેતરમાં એક ભવ્ય અને શાનદાર મોહસિને આઝમ કોન્ફરન્સ અને દસ્તારબંદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે સંસ્થાના ૪૪ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ હાફિઝ, કારી અને આલિમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરઆને પાકની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ અને દેશભક્તિ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર સુંદર અને પ્રેરણાદાયી પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત મેદનીએ વધાવી લીધા હતા.મુંબઈથી વિશેષ મહેમાન તરીકે પધારેલા બુલબુલે બાગે મદીના અલહાજ કારી રિઝવાન સાહેબે પોતાના સુમધુર કંઠે નાત-એ-શરીફ અને મનકબત રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ નવજવાન દિલોની ધડકન હઝરત મૌલાના સૈયદ અમીનુલ કાદરી સાહેબે મોહસિને આઝમ વિષય પર વિસ્તૃત અને પ્રભાવશાળી છણાવટ કરી હતી અને મોહસિને આઝમની હસ્તી વિશે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ત્યારબાદ સ્ટેજ પર પધારેલા અમીરે સુન્ની દાવતે ઇસ્લામી, દાઈએ કબીર હઝરત મૌલાના મોહમ્મદ શાકિર નૂરી સાહેબ કિબ્લાએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હુઝૂર ઉસ્તાઝુલ ઉલમા હઝરત અલ્લામા ગુલામ ગૌસ અલવી સાહેબની દીની સેવાઓ એટલી વિશાળ છે કે આજે તેમના વિદ્યાર્થીઓનો વ્યાપ જોઈને આ વિશાળ મેદાન પણ નાનું પડે. હુઝૂર ઉસ્તાઝુલ ઉલમાની ગરિમામય ઉપસ્થિતિ:કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના મુજાહિદ, હુઝૂર ઉસ્તાઝુલ ઉલમા હઝરત અલ્લામા અલહાજ ગુલામ ગૌસ અલવી અલ હાશમી સાહેબની શાનદાર પધરામણી થઈ હતી. હજારો નારાઓની ગૂંજ અને અદબ સાથે તેઓ સ્ટેજ પર બિરાજમાન થયા હતા. તેમના દીદાર માટે દૂર-સુદૂરથી મોટી સંખ્યામાં આશિકાને રસૂલ ઉમટી પડ્યા હતા. આ પવિત્ર મંચ પરથી પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓના નામો જાહેર કરી, તેમના શિરે સન્માનપૂર્વક પાઘડી પહેરાવીને સનદ એનાયત કરવામાં આવી હતી.સંસ્થાની ભવિષ્યની યોજનાઓ અને સંસ્થાના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકડકુટાએ પોતાના પ્રવચનમાં મદ્રસાની ભવિષ્યની યોજનાઓ વિશે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મદ્રસા-એ-મિસ્કીનીયાહના ૧૫થી વધુ બાળકો SSC તથા HSC બોર્ડની પરીક્ષામાં સામેલ થશે, જેના માટે તેમને વિશેષ કોચિંગ પણ આપવામાં આવી રહી છે. તેમણે સંસ્થાને તન, મન અને ધનથી મદદરૂપ થનાર તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ખાતરી આપી હતી કે દાનનો યોગ્ય ઉપયોગ તથા પારદર્શિતા હંમેશાં જળવાઈ રહેશે. સાથે જ, તેમણે સંસ્થાની સેવાઓમાં કોઈ કચ્ચાસ રહી ગઈ હોય તો વિનમ્રતાપૂર્વક ક્ષમા માંગી હતી અને હાજરજનો, પત્રકાર મિત્રો તેમજ આજુબાજુના વિસ્તારના ૧૦૦થી વધુ સ્વયંસેવકોની ઉત્સાહી સેવાઓને બિરદાવી આભાર માન્યો હતો. આ ભવ્ય જલ્સાનું ખૂબ જ પ્રભાવશાળી સંચાલન હઝરત મૌલાના અબુલ હસન સાહેબ ફૈઝીએ કર્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા નાયબ શૈખુલ હદીષ હઝરત મૌલાના સૈયદ અહમદ હુસૈન સાહેબ અલવી, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મૌલાના નવાઝ સાહેબ, મુફતી મુનવ્વર રઝા સાહેબ, મૌલાના સૈયદ શકીલ બાપુ, મૌલાના શોએબ રઝા, મૌલાના રાશિદ રઝા સકાફી તેમજ ટ્રસ્ટ બોર્ડના હાજી અફરોઝભાઈ લકડકુટા, હાજી સિરાજભાઈ ધાયા, હાજી બાશીતભાઈ પાનવાલા, હાજી રફીકભાઈ તુમ્બી, હાજી હમીદભાઈ ગોડીલ, હાજી નોશાદભાઈ ગોડીલ અને મિત્ર મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ખડેપગે સેવા આપી હતી. આ ભવ્ય પ્રસંગે ધોરાજી અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઉલમાઓ, મશાઈખો, અગ્રણીઓ અને મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.

 

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!